સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

ગીતશાસ્ત્ર 89

આ અધ્યાય આમાં આવે છે: Boek III

1હું નિરંતર યહોવાહની કૃપા વિષે ગાઈશ. હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ. 2કેમ કે મેં કહ્યું છે, “કૃપા સદાને માટે સ્થાપન કરવામાં આવશે; આકાશોમાં જ તમે તમારું વિશ્વાસુપણું સ્થાપજો.” 3યહોવાહે કહ્યું, “મેં મારા પસંદ કરેલાની સાથે કરાર કર્યો છે, મેં મારા સેવક દાઉદને વચન આપ્યું છે. 4તારા વંશજોને હું સદા ટકાવી રાખીશ અને વંશપરંપરા હું તારું રાજ્યાસન સ્થિર રાખીશ.” સેલાહ 5હે યહોવાહ, આકાશો તમારા ચમત્કારોની સ્તુતિ કરશે; સંતોની સભામાં તમારું વિશ્વાસુપણું વખાણવામાં આવશે. 6કેમ કે આકાશમાં એવો કોણ છે કે જેની તુલના યહોવાહ સાથે થાય? ઈશ્વરના દીકરાઓમાં યહોવાહ જેવો કોણ છે? 7સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે અને જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં તે વધારે ભયાવહ છે. 8હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, હે યહોવાહ, તમારા જેવો પરાક્રમી કોણ છે? તમારી આસપાસ તમારું વિશ્વાસુપણું છે. 9સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો; જ્યારે તેનાં મોજાંઓ ઊછળે છે, ત્યારે તેઓને તમે શાંત પાડો છો. 10મારી નંખાયેલાની જેમ તમે રાહાબ ને છૂંદી નાખ્યો છે. તમારા બાહુબળથી તમે તમારા શત્રુઓને વિખેરી નાખ્યા છે. 11આકાશો તમારાં છે અને પૃથ્વી પણ તમારી છે. તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યાં છે. 12ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયાં છે. તાબોર અને હેર્મોન તમારા નામે હર્ષનાદ કરે છે. 13તમારો હાથ બળવાન છે અને તમારો હાથ મજબૂત તથા તમારો જમણો હાથ ઊંચો છે. 14ન્યાયીપણું તથા ઇનસાફ તમારા રાજ્યાસનનો પાયો છે. તમારી હજૂરમાં કૃપા તથા સત્યતા હોય છે. 15જેઓ તમારી સ્તુતિ કરે છે, તેઓ આશીર્વાદિત છે! હે યહોવાહ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે. 16તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ કરે છે અને તમારા ન્યાયીપણાથી તેઓને ઊંચા કરવામાં આવે છે. 17તમે તેઓના સામર્થ્યનો મહિમા છો અને તમારી ઇચ્છા પ્રમાણે અમે વિજયવંત છીએ. 18કેમ કે અમારી ઢાલ તો યહોવાહ છે; ઇઝરાયલના પવિત્ર અમારા રાજા છે. 19ઘણા સમયો પહેલાં તમારા ભક્તોને તમે દર્શનમાં કહ્યું હતું; “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; લોકોમાંથી મેં એક યુવાનને પસંદ કરીને ઊંચો કર્યો છે. 20મેં મારા સેવક દાઉદને પસંદ કર્યો છે; મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિક્ત કર્યો છે. 21મારો હાથ તેને ટકાવી રાખશે; મારો બાહુ તેને સામર્થ્ય આપશે. 22શત્રુ તેનું નુકસાન કરી શકશે નહિ; અને દુષ્ટ લોકો તેને દુઃખ આપશે નહિ. 23તેની આગળ હું તેના શત્રુઓને પાડી નાખીશ; જેઓ તેનો ધિક્કાર કરે છે તેઓની ઉપર હું મરકી લાવીશ. 24મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેની સાથે નિરંતર રહેશે; મારા નામે તેનું શિંગ ઊંચું કરવામાં આવશે. 25હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ અને નદીઓ પર તેનો જમણો હાથ સ્થાપન કરીશ. 26તે મને પોકારીને કહેશે, ‘તમે મારા પિતા છો, મારા ઈશ્વર અને મારા તારણના ખડક છો.’ 27વળી હું તેને મારા પ્રથમજનિત પુત્રની જેમ, પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ. 28હું તેના ઉપર મારી કૃપા સદા રાખીશ; અને તેની સાથે મારો કરાર દ્રઢ રહેશે. 29તેના વંશજો સદા રહે એવું પણ હું કરીશ અને તેનાં સિંહાસન ઉપર તેના સંતાનને આકાશોની જેમ સ્થાયી કરીશ. 30જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે અને મારા હુકમોને આધીન નહિ રહે, 31જો તેઓ મારા વિધિઓને તોડશે અને મારી આજ્ઞાઓ નહિ પાળે, 32તો હું સોટીથી તેઓના અપરાધોની અને ફટકાથી તેઓના અન્યાયની શિક્ષા કરીશ. 33પણ હું તેઓની પાસેથી મારી કૃપા લઈ લઈશ નહિ અને હું તેઓને અવિશ્વાસુ નહિ બનું. 34હું મારો કરાર નહિ તોડું અને મારા હોઠોથી નીકળેલી વાત ફેરવીશ નહિ. 35એકવાર મેં મારી પવિત્રતાના સમ ખાધા છે હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ. 36તેના વંશજો સર્વકાળ ટકશે અને મારી આગળ સૂર્યની જેમ તેનું રાજ્યાસન ટકશે. 37ચંદ્રની જેમ તે સદા અચળ રહેશે, આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું થશે.” સેલાહ. 38પણ તમે તમારા અભિષિક્ત રાજાને તજીને તેને તુચ્છ ગણ્યો છે; તેના પર કોપાયમાન થયા છો. 39તમે તમારા સેવક સાથે કરેલા કરારને તોડ્યો છે. તમે તેના મુગટને કચરામાં ફેંકી દીધો હતો. 40તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે, તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યા છે. 41માર્ગે જનારા સર્વ તેને લૂંટી લે છે. તે પોતાના પડોશીઓથી અપમાન પામે છે. 42તમે તેના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે; અને તમે તેના સર્વ શત્રુઓને આનંદિત કર્યા છે. 43તમે તેની તલવારની ધાર વાળી દો છો અને તમે તેને યુદ્ધમાં ઊભો રાખ્યો નથી. 44તમે તેનું તેજ લઈ લીધું છે અને તેનું રાજ્યાસન જમીનદોસ્ત કરી નાખ્યું છે. 45તમે તેની યુવાનીના દિવસો ટૂંકા કર્યા છે. તમે તેને શરમિંદો કરી દીધો છે. 46હે યહોવાહ, તે ક્યાં સુધી? શું તમે સદાકાળ સુધી સંતાઈ રહેશો? તમારો કોપ ક્યાં સુધી અગ્નિની જેમ સળગતો રહેશે? 47મારું આયુષ્ય કેટલું ટુંકું છે, તે વિષે વિચારો અને તમે માનવજાતને કેવી વ્યર્થતાને માટે ઉત્પન્ન કરી છે! 48એવું કોણ છે કે જે જીવશે અને મરણ પામશે નહિ? શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે? સેલાહ 49હે પ્રભુ, જેને વિષે તમે તમારા વિશ્વાસુપણાએ દાઉદ પ્રત્યે સમ ખાધા, તે તમારી અગાઉની કૃપા ક્યાં છે? 50હે પ્રભુ, તમારા સેવકોનું અપમાન સંભારો અને હું કેવી રીતે મારા હૃદયમાં બધા પરાક્રમી લોકોનો તિરસ્કાર સહન કરું છું. 51હે યહોવાહ, તમારા શત્રુઓએ અપમાન કર્યું છે; તેઓ તમારા અભિષિક્તનાં પગલાની મશ્કરી કરે છે, તે પણ તમે સંભારો. 52નિરંતર યહોવાહને ધન્યવાદ આપો. આમીન તથા આમીન.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.