સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

ગીતશાસ્ત્ર 109

આ અધ્યાય આમાં આવે છે: Boek V

1હે મારા સ્તુતિના ઈશ્વર, તમે શાંત ન રહો. 2કારણ કે દુષ્ટ અને કપટી માણસો મારા પર હુમલાઓ કરે છે; તેઓ મારી વિરુદ્ધ જૂઠું બોલે છે. 3તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે અને કોઈ કારણ વગર મારી સાથે લડાઈ કરવા હુમલો કરે છે. 4તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે, પણ હું તેઓને માટે પ્રાર્થના જ કરું છું. 5તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે અને તેઓ મારા પ્રેમને ધિક્કારે છે. 6મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુક્ત કરો; તેને જમણે હાથે કોઈ અપ્રામાણિકને ઊભો રાખો. 7જ્યારે તે ન્યાય કરે, ત્યારે તે અપરાધી ઠરો; તેની પ્રાર્થના પાપરૂપ ગણાઓ. 8તેના દિવસો થોડા થાઓ; તેનું સ્થાન બીજા કોઈ લઈ લો. 9તેના સંતાનો અનાથ અને તેની પત્ની વિધવા થાઓ. 10તેના સંતાનો રખડીને ભીખ માગો, ઉજ્જડ થયેલાં પોતાના ઘરોમાંથી તેઓને નસાડી મૂકવામાં આવે. 11તેનો લેણદાર જોરજુલમથી તેનું બધું લઈ જાઓ; તેની મહેનતનું ફળ અજાણ્યા લૂંટી જાઓ. 12તેના પર દયા રાખનાર કોઈ ન રહો; તેનાં અનાથ બાળકો પર કોઈ કૃપા રાખનાર ન રહો. 13તેના વંશજોનો ઉચ્છેદ થાઓ; આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણપણે ભૂંસાઈ જાઓ. 14તેના પિતૃઓનાં પાપ યહોવાહને યાદ રહો; અને તેની માતાનું પાપ માફ કરવામાં ન આવો. 15તેનાં પાપો નિત્ય યહોવાહની નજરમાં રહો; યહોવાહ તેનું નામ પૃથ્વી પરથી ઉખેડી નાખે. 16કારણ કે તેણે બીજાઓ પ્રત્યે દયા કરવાનું ચાહ્યું નહિ, પણ નિરુત્સાહીની હત્યા કરવા માટે અને ગરીબ તથા જરૂરતમંદને સતાવ્યા. 17બીજાઓને શાપ આપવામાં તે ખુશ હતો; માટે એ શાપ તેને લાગો. તે આશીર્વાદને ધિક્કારતો; તેથી તેના પર કોઈ આશીર્વાદ ન આવો. 18તેણે વસ્ત્રની જેમ પોતાના શરીર પર શાપ ધારણ કર્યો હતો અને તેનો શાપ પાણીની માફક તેના અંતઃકરણમાં તેના હાડકામાં તેલની જેમ પ્રસરી જતો હતો. 19પહેરવાનાં વસ્ત્રની જેમ તે તેને આચ્છાદિત કરનાર થાઓ કમરબંધની જેમ તે સદા વીંટળાઈ રહો. 20જેઓ મારા શત્રુ છે અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે, તેઓને યહોવાહ તરફથી આવો બદલો મળો. 21હે યહોવાહ, મારા પ્રભુ, તમે તમારા નામની ખાતર મારા માટે લડો. કેમ કે તમારી કૃપા ઉત્તમ છે, મારો બચાવ કરો. 22કેમ કે હું ગરીબ તથા દરિદ્રી છું અને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે. 23હું નમી ગયેલી છાયાના જેવો થઈ ગયો છું; મને તીડની જેમ ખંખેરી નાખવામાં આવે છે. 24ઉપવાસથી મારાં ઘૂંટણ નબળા પડ્યાં છે; મારું માંસ પુષ્ટિ વિના ઘટી ગયું છે. 25હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતીક બન્યો છું; જ્યારે તેઓ મને જુએ છે, ત્યારે તેઓ પોતાના માથાં હલાવે છે. 26હે યહોવાહ મારા ઈશ્વર, મને મદદ કરો; તમારી કૃપા પ્રમાણે મારો બચાવ કરો. 27તેઓ જાણે કે આ તમે કર્યું છે, હે યહોવાહ, તમે જ આ કર્યું છે, 28જો તેઓ મને શાપ આપે, તો કૃપા કરી તેમને આશીર્વાદ આપજો; જ્યારે તેઓ હુમલો કરે, ત્યારે તેઓ શરમાઈ જાઓ, પણ તમારો સેવક આનંદ કરે. 29મારા શત્રુઓ વસ્ત્રની જેમ બદનામીથી શરમ અનુભવો અને ઝભ્ભાની જેમ તેઓ શરમથી ઢંકાઈ જાઓ. 30હું વારંવાર યહોવાહનો આભાર માનીશ; હું ઘણા લોકોમાં તેમની સ્તુતિ ગાઈશ. 31કારણ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી ઉદ્ધાર આપવાને માટે યહોવાહ તેને જમણે હાથે ઊભા રહેશે.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.