સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

ગીતશાસ્ત્ર 35

આ અધ્યાય આમાં આવે છે: Boek I

1હે યહોવાહ, મારી વિરુદ્ધ વાદ કરનારની સામે તમે વાદ કરો; મારી વિરુદ્ધ લડનારની સાથે તમે લડાઈ કરો. 2નાની તથા મોટી ઢાલ સજીને મારી સહાયને માટે ઊભા થાઓ. 3જેઓ મારી પાછળ લાગેલા છે તેઓની વિરુદ્ધ તમારા ભાલાનો ઉપયોગ કરો; મારા આત્માને કહો, “હું તારો ઉદ્ધાર કરનાર છું.” 4જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ બદનામ થાઓ. જેઓ મારું નુકસાન ઇચ્છે છે, તેઓ રઝળી પડો અને પાછા હઠો. 5તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા થાય, તેઓને યહોવાહનો દૂત નસાડી મૂકો. 6તેઓનો માર્ગ અંધકારમય અને લપસણો થાઓ, યહોવાહનો દૂત તેઓની પાછળ પડો. 7તેઓએ વગર કારણે મારે માટે ખાડામાં પોતાની જાળ સંતાડી રાખી છે; વિનાકારણ તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે. 8તેઓના પર અચાનક વિપત્તિ આવી પડો. પોતાના જાળમાં તેઓ પોતે જ ફસાઈ પડો. પોતાના ખોદેલા ખાડામાં પડીને તેઓનો સંહાર થાઓ. 9પણ હું યહોવાહમાં આનંદ કરીશ અને તેમના ઉદ્ધારમાં હર્ષ પામીશ. 10મારા સઘળા બળથી હું કહીશ કે, “હે યહોવાહ, તમારા જેવું કોણ છે? જે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે.” 11જૂઠા સાક્ષીઓ ઊભા થાય છે; તેઓ મારા પર આરોપ મૂકે છે. 12તેઓ ભલાઈને બદલે મને બુરું પાછું આપે છે. જેથી હું અનાથ થઈ જાઉં છું. 13પણ, જ્યારે તેઓ બીમાર હતા, ત્યારે હું ટાટ પહેરતો; હું ઉપવાસથી મારા જીવને દુઃખી કરતો અને મારી પ્રાર્થના મારા હૃદયમાં પાછી આવતી હતી. 14તે લોકો જાણે મારા ભાઈઓ અને મારા નજીકના મિત્રો હોય તેવો વર્તાવ મેં તેઓની સાથે રાખ્યો; પોતાની માતાને માટે વિલાપ કરનારની માફક હું શોકથી નમી જતો. 15પણ જ્યારે મારી પડતી થઈ, ત્યારે તેઓ હર્ષ પામતા અને ટોળે વળતા; હું તે જાણતો નહિ, એવી રીતે તેઓ મારી વિરુદ્ધ ટોળે વળતા. 16કોઈ પણ માન વગર તેઓએ મારી હાંસી ઉડાવી; તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો કર્યો. 17હે પ્રભુ, ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો? તેઓના સંહારથી મારા જીવને તથા સિંહોથી મારા આત્માને બચાવી લો. 18એટલે હું ભરસભામાં તમારી આભારસ્તુતિ કરીશ; ઘણા લોકોની મધ્યે હું તમારી પ્રશંસા કરીશ. 19મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ; જેઓ વિનાકારણ મારો દ્વ્રેષ કરે છે તેઓ આંખના મિચકાર ન મારો. 20કારણ કે તેઓનું બોલવું શાંતિદાયક નથી, પણ દેશમાં શાંત રહેનારાઓની વિરુદ્ધ તેઓ દગાબાજી કરે છે. 21તેઓ મારી વિરુદ્ધ ખુલ્લા મુખે બોલે છે; તેઓએ કહ્યું, “હા, હા, અમારી આંખોએ તે જોયું છે.” 22હે યહોવાહ, તમે તે જોયું છે, તમે ચૂપ ન રહો; હે પ્રભુ, મારાથી દૂર ન જાઓ. 23મારો ન્યાય કરવા માટે જાગૃત થાઓ; હે મારા ઈશ્વર અને મારા પ્રભુ, મારી દાદ સાંભળવા માટે જાગો. 24હે મારા ઈશ્વર યહોવાહ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો; તેઓને મારા પર આનંદ કરવા ન દો. 25તેઓને પોતાના હૃદયમાં એમ કહેવા ન દો કે, “આહા, અમારે જે જોઈતું હતું, તે અમારી પાસે છે.” તેઓને એમ કહેવા ન દો કે, “અમે તેને ગળી ગયા છીએ.” 26મારા નુકસાનમાં આનંદ પામનારા સર્વ બદનામ થાઓ અને ઝંખવાણા પડો. મારી વિરુદ્ધ બડાઈ કરનારાઓ અપમાનિત થઈને શરમાઈ જાઓ. 27જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે; તેઓ હર્ષ પામીને જયજયકાર કરો; તેઓ હમેશાં કહો, જે પોતાના સેવકની આબાદીમાં ખુશ રહે છે, તે યહોવાહની સ્તુતિ થાઓ. 28ત્યારે હું તમારું ન્યાયીપણું પ્રગટ કરીશ અને આખો દિવસ હું તમારાં સ્તોત્ર ગાઈશ.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.