સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

ગીતશાસ્ત્ર 22

આ અધ્યાય આમાં આવે છે: Boek I

1હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને તમે એટલે દૂર કેમ રહો છો? 2હે મારા ઈશ્વર, હું દિવસે પોકાર કરું છું, પણ તમે મને જવાબ આપતા નથી; અને રાત્રે પણ હું ચૂપ રહેતો નથી! 3તોપણ, હે ઇઝરાયલનાં સ્તોત્ર પર બિરાજમાન, તમે પવિત્ર છો. 4અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો; તેઓએ ભરોસો રાખ્યો હતો અને તમે તેઓને છોડાવ્યા. 5તેઓએ તમને પ્રાર્થના કરી અને તેઓ બચી ગયા. તેઓએ તમારા પર ભરોસો રાખ્યો અને નિરાશ થયા નહિ. 6પણ હું તો માત્ર કીડો છું, માણસ નથી, માણસોથી ધિક્કાર પામેલો અને લોકોથી તુચ્છ ગણાયેલો છું. 7જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે; તેઓ મોં ફેરવીને માથું ધુણાવીને કહે છે. 8તેઓ કહે છે, “તું યહોવાહ પર ભરોસો રાખ; યહોવાહ તને છોડાવશે. તે તારા પર રાજી છે, માટે તે બચાવશે.” 9તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો; જ્યારે હું મારી માતાનું દૂધ પીતો હતો, ત્યારે તમે મારામાં ભરોસો ઉપજાવ્યો. 10હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું મારી માતાના ગર્ભમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો! 11તમે મારાથી દૂર ન જાઓ, કેમ કે સંકટ પાસે છે; મને સહાય કરનાર કોઈ નથી. 12ઘણા સાંઢોએ મને ઘેરી લીધો છે; બાશાનના બળવંત સાંઢ મારી આસપાસ ફરી વળ્યા છે. 13ફાડી ખાનાર તથા ગર્જનાર સિંહની જેમ તેઓ મારી સામે પોતાનું મોં ઉઘાડે છે. 14જેમ પાણી વહી જાય તેમ, મારી શક્તિ ચાલી ગઈ છે અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે. મારું હૃદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે. 15મારું બળ વાસણના એક તૂટેલા ટુકડા જેવું સુકું થઈ ગયું છે; મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે. તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે. 16કારણ કે મારી આસપાસ કૂતરા ફરી વળ્યા છે; મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે. 17હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું. તેઓ મને ધારીને જુએ છે; 18તેઓ મારાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લે છે, તેઓ મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખે છે. 19હે યહોવાહ, મારાથી દૂર ન જાઓ; હે મારા સામર્થ્ય, મારી મદદે આવો. 20મને આ તલવારથી બચાવો, મારા મૂલ્યવાન જીવનને આ કૂતરાના કબજામાંથી છોડાવો. 21મને સિંહોનાં મોંમાંથી બચાવો; તમે જંગલી સાંઢોના શિંગડાંઓથી મને બચાવશે. 22હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ; હું ભરી સભામાં તમારી સ્તુતિ કરીશ. 23હે યહોવાહનો ભય રાખનારાઓ, તેમનાં ગુણગાન ગાઓ! તમે બધા યાકૂબના વંશજો, તેમને માન આપો! હે ઇઝરાયલના સર્વ વંશજો, તમે તેમનું ભય રાખો. 24કેમ કે તેમણે દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યું નથી અને તેનાથી કંટાળ્યા નથી; યહોવાહે તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી; જ્યારે તેણે મદદને માટે અરજ કરી, ત્યારે તેમણે તેનું સાંભળ્યું. 25હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું; તેમનું ભય રાખનારાઓની આગળ હું મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ. 26દરિદ્રીઓ ખાઈને તૃપ્ત થશે; જેઓ યહોવાહને શોધે છે, તેઓ તેમની સ્તુતિ કરશે. તેઓનો હૃદય સર્વકાળ જીવો. 27પૃથ્વીના સર્વ લોકો યહોવાહને સંભારીને તેમની તરફ ફરશે; વિદેશીઓનાં સર્વ કુટુંબો તેમની આગળ આવીને પ્રણામ કરશે. 28કારણ કે રાજ્ય યહોવાહનું છે; તે સર્વ પ્રજા પર રાજ કરે છે. 29પૃથ્વીના સર્વ મોટા લોકો પ્રણામ કરશે; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે. 30તેઓના વંશજો પ્રભુ ઈશ્વરની સેવા કરશે; આવતી પેઢીની આગળ તેઓને તેનું ન્યાયીપણું પ્રગટ કરવામાં આવશે. 31તેઓ આવશે અને હવે પછી જન્મનારા લોકોને; તેઓનું ન્યાયીપણું પ્રગટ કરીને કહેશે કે, તેમણે તે કર્યું છે!

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.