સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

નીતિવચનો 24

આ અધ્યાય આમાં આવે છે: Woorden van wijzen

1દુષ્ટ માણસોની અદેખાઈ ન કર, તેઓની સાથે રહેવાની ઇચ્છા ન કર. 2કારણ કે તેઓનાં મન હિંસાના વિચારો કરે છે અને તેઓના હોઠ ઉપદ્રવની વાતો કરે છે. 3ડહાપણ વડે ઘર બંધાય છે અને બુદ્ધિથી તે સ્થિર થાય છે. 4ડહાપણ વડે સર્વ મૂલ્યવાન તથા સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર થાય છે. 5બહાદુર માણસ બળવાન હોય છે, પણ જે વ્યક્તિ પાસે ડહાપણ છે તે બહાદુર વ્યક્તિ કરતાં વધારે બળવાન હોય છે. 6કેમ કે ચતુર માણસની સલાહ પ્રમાણે તું યુદ્ધ કરશે અને વધારે સલાહકારીઓમાં સલામતી છે. 7ડહાપણ એ મૂર્ખની શક્તિ ઉપરાંત છે; તે જાહેરમાં પોતાનું મુખ ખોલી શકતો નથી. 8જે ખોટાં કામ કરવા માટે યુક્તિઓ રચે છે તેને લોકો ઉપદ્રવી પુરુષ કહેશે. 9મૂર્ખની યોજનાઓ પાપી છે અને લોકો બડાઈ કરનારને ધિક્કારે છે. 10જો તું સંકટને દિવસે નાહિંમત થઈ જાય, તો તારું બળ થોડું જ છે. 11જેઓને મોત માટે ઘસડી જવામાં આવે છે તેઓને છોડાવ જેઓ માર્યા જવાની તૈયારીમાં છે તેઓને છોડાવવાનું ચૂકતો નહિ. 12જો તું કહે કે, “અમે તો એ જાણતા નહોતા.” તો જે અંત:કરણોની ચકાસણી કરે છે તે શું તેનો વિચાર કરશે નહિ? અને જે તારા જીવનો રક્ષક છે તે શું નથી જાણતો? અને શું તે દરેક માણસને તેની કરણી પ્રમાણે ફળ આપશે નહિ? 13મારા દીકરા, મધ ખા કેમ કે તે ગુણકારી છે, મધનું ચાકું પણ ખા, કેમ કે તેનો સ્વાદ તને મીઠો લાગે છે. 14ખરેખર ડહાપણ તારા આત્માને માટે છે, જો તને તે મળ્યું હોય, તો તને તેનું પ્રતિફળ મળશે અને તારી આશા વ્યર્થ જશે નહિ. 15હે દુષ્ટ માણસ, સજ્જનના ઘર આગળ લાગ જોઈ બેસી રહીશ નહિ, તેના ઘર પર આક્રમણ કરીશ નહિ. 16કારણ કે નીતિમાન માણસ સાત વાર પડશે તોપણ તે પાછો ઊભો થશે, પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જશે. 17જ્યારે તારા દુશ્મનની પડતી થાય, ત્યારે હર્ષ ન કર અને જ્યારે તે પાયમાલ થાય ત્યારે તારા હૃદયમાં તું મગ્ન થતો નહિ. 18નહિ તો યહોવાહ તે જોઈને નારાજ થશે અને તેના ઉપરથી પોતાનો રોષ પાછો ખેંચી લેશે. 19દુષ્કર્મીઓને લીધે તું ચિડાતો નહિ અને દુષ્ટોની અદેખાઈ ન કર. 20કારણ કે દુર્જનોનું કોઈ ભવિષ્ય નથી અને દુષ્ટોનો દીવો હોલવાઈ જશે. 21મારા દીકરા, યહોવાહનું તથા રાજાનું ભય રાખ; બળવાખોરો સાથે કશો સંબંધ ન રાખ, 22કારણ કે તેઓના પર અચાનક આફત આવી પડશે અને તે બન્નેના તરફથી આવતા વિનાશની ખબર કોને છે? 23આ પણ જ્ઞાનીઓનાં વચન છે. ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી. 24જે કોઈ દુષ્ટને કહે છે, “તું નેક છે,” તે લોકો દ્વારા શાપિત ગણાશે અને પ્રજાઓ તેને ધિક્કારશે. 25પણ જે કોઈ દોષિતને ઠપકો આપશે તેઓ આનંદિત થશે અને તેઓના પર ઘણો આશીર્વાદ ઊતરશે. 26જે કોઈ સાચો જવાબ આદરપૂર્વક આપે છે, તે હોઠોનું ચુંબન કરે છે. 27તારું બહારનું કામ તૈયાર રાખ અને તારા ખેતરનું કામ તૈયાર કર અને ત્યારપછી તારું ઘર બાંધ. 28વિનાકારણ તારા પડોશી વિરુદ્ધ સાક્ષી પૂરીશ નહિ અને તારા હોઠોથી ઠગાઈ ન કર. 29એમ ન કહે કે, “જેવું તેણે મને કર્યું છે, તેવું હું તેને કરીશ; તેને તેના કામ પ્રમાણે હું બદલો આપીશ.” 30હું આળસુ વ્યક્તિના ખેતર પાસે થઈને તથા બેવકૂફ માણસની દ્રાક્ષવાડી પાસે થઈને જતો હતો; 31ત્યારે મેં જોયું તો તેમાં બધે ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં, જમીન કાંટાથી છવાઈ ગઈ હતી અને તેની પથ્થરનો કોટ તૂટી ગયો હતો. 32પછી મેં જોયું અને વિચાર કર્યો; હું સમજ્યો અને મને શિખામણ મળી. 33હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ લેવા દો, થોડીક વાર હાથ વાળીને સૂવા દો. 34એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પહોંચશે.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.