સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

નીતિવચનો 22

આ અધ્યાય આમાં આવે છે: Spreuken van Salomo

1સારું નામ એ પુષ્કળ ધન કરતાં અને પ્રેમયુક્ત રહેમ નજર સોનારૂપા કરતાં ઇચ્છવાજોગ છે. 2દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કે યહોવાહે તે બન્નેના ઉત્પન્નકર્તા છે. 3ડાહ્યો માણસ આફતને આવતી જોઈને સંતાઈ જાય છે, પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે. 4વિનમ્રતા તથા ધન, સન્માન તથા જીવન એ યહોવાહના ભયનાં ફળ છે. 5આડા માણસના માર્ગમાં કાંટા અને ફાંદા છે; જે માણસને જીવન વહાલું છે તે તેનાથી દૂર રહે છે. 6બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ અને જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે તેમાંથી તે ખસે નહિ. 7ધનવાન ગરીબ ઉપર સત્તા ચલાવે છે અને દેણદાર લેણદારનો ગુલામ છે. 8જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે. 9ઉદાર દૃષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે. 10ઘમંડી વ્યક્તિને દૂર કર એટલે ઝઘડો પણ સમી જશે અને મારામારી તથા અપમાનનો અંત આવશે. 11જે હૃદયની શુદ્ધતા ચાહે છે તેના બોલવાના પ્રભાવને લીધે રાજા તેનો મિત્ર થશે. 12યહોવાહની દૃષ્ટિ જ્ઞાનીની સંભાળ રાખે છે, પણ કપટી માણસના શબ્દોને તે ઉથલાવી નાખે છે. 13આળસુ કહે છે, “બહાર તો સિંહ છે! હું રસ્તામાં માર્યો જઈશ.” 14પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઈ જેવું છે; જે કોઈ તેમાં પડે છે તેના ઉપર યહોવાહનો કોપ ઊતરે છે. 15મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાયેલી છે, પણ શિક્ષાની સોટી તેનામાંથી તેની મૂર્ખાઈને દૂર કરશે. 16પોતાની માલમિલકત વધારવાને માટે જે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને બક્ષિશ આપે છે તે પોતે કંગાલાવસ્થામાં આવશે. 17જ્ઞાની માણસોના શબ્દો ધ્યાનથી સાંભળ અને મારા ડહાપણ પર તારું અંતઃકરણ લગાડ. 18કેમ કે જો તું તેઓને તારા અંતરમાં રાખે અને જો તેઓ બન્ને તારા હોઠો પર સ્થિર થાય તો તે સુખકારક છે. 19તારો ભરોસો યહોવાહ પર રહે, માટે આજે મેં તને, હા, તને તે જણાવ્યાં છે. 20મેં તારા માટે સુબોધ અને ડહાપણની ત્રીસ કહેવતો એટલા માટે લખી રાખી છે કે, 21સત્યનાં વચનો તું ચોક્કસ જાણે જેથી તને મોકલનાર છે તેની પાસે જઈને સત્ય વચનોથી તું તેને ઉત્તર આપે? 22ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમ જ રસ્તાઓમાં પડી રહેલા ગરીબો પર પણ જુલમ ન કર, 23કારણ કે યહોવાહ તેમનો પક્ષ કરીને લડશે અને જેઓ તેઓનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે. 24ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર અને તામસી માણસની સોબત ન કર. 25જેથી તું તેના માર્ગો શીખે અને તારા આત્માને ફાંદામાં લાવી નાખે. 26વચન આપનારાઓમાંનો જામીન અને દેવાને માટે જામીન આપનાર એ બેમાંથી તું એકે પણ થઈશ નહિ. 27જો તારી પાસે દેવું ચૂકવવા માટે કંઈ ન હોય તો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે ન લઈ જાય? 28તારા પિતૃઓએ જે અસલના સીમા પથ્થર નક્કી કર્યા છે તેને ન ખસેડ. 29પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને શું તું જુએ છે? તે રાજાઓની હજૂરમાં ઊભો રહે છે; તે સામાન્ય લોકોની આગળ ઊભો રહેતો નથી.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.