સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

યશાયા 54

આ અધ્યાય આમાં આવે છે: Troost voor de ballingen

1“હે સંતાન વિનાની, જેણે બાળકને જન્મ આપ્યો નથી; જેણે પ્રસૂતિની પીડા સહન કરી નથી તે, તું હર્ષનાદ અને જયઘોષ કર. કેમ કે યહોવાહ કહે છે, તજાયેલીનાં છોકરાં પરણેલીનાં છોકરાં કરતાં વધારે છે. 2તારા તંબુની જગા વિશાળ કર અને તારા તંબુના પડદા પ્રસાર, રોક નહિ; તારાં દોરડાં લાંબા કર અને ખીલા મજબૂત કર. 3કેમ કે તું જમણે તથા ડાબે હાથે ફેલાઈ જશે અને તારાં સંતાનો દેશો પર કબજો કરશે અને ઉજ્જડ નગરોને ફરીથી વસાવશે. 4તું બીશ નહિ કેમ કે તું લજ્જિત થનાર નથી, ગભરાઈશ નહિ કેમ કે તારી બદનામી થનાર નથી; તારી યુવાવસ્થાની શરમ અને તને તજી દેવાયેલીનું કલંક તું ભૂલી જઈશ. 5કેમ કે તારા કર્તા જ તારા છે; તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે. ઇઝરાયલના પવિત્રએ તારા ઉદ્ધારકર્તા છે; તે આખી પૃથ્વીના ઈશ્વર કહેવાય છે. 6તારા ઈશ્વર કહે છે, તજેલી તથા આત્મામાં ઉદાસ રહેનાર પત્નીની જેમ, એટલે જુવાનીમાં પરણેલી સ્ત્રી અને પછી નકારાયેલી પત્નીની જેમ, યહોવાહે તને બોલાવી છે. 7“મેં ક્ષણવાર તને તજી હતી, પણ હવે પુષ્કળ દયાથી હું તને સ્વીકારીશ. 8ક્રોધના આવેશમાં મેં પળવાર તારાથી મારું મુખ ફેરવ્યું હતું; પણ અનંતકાળિક કરારના વિશ્વાસુપણાથી હું તારા પર દયા કરીશ,” તારા બચાવનાર યહોવાહ એમ કહે છે. 9“કેમ કે મારે માટે તો એ નૂહના જળપ્રલય જેવું છે: જે પ્રમાણે મેં સમ ખાધા હતા કે, નૂહનો જળપ્રલય ફરી પૃથ્વી પર થનાર નથી, તેથી મેં સમ ખાધા છે કે હું તારા પર ફરીથી કદી ક્રોધાયમાન થઈશ નહીં, કે તને ઠપકો દઈશ નહિ. 10છતાં જો પર્વતો ખસી જાય અને ડુંગરો હચમચી જાય, તોપણ મારા કરારનું વિશ્વાસુપણું તારી પાસેથી ફરશે નહિ, કે મારો શાંતિનો કરાર ટળશે નહિ,” તારા પર કૃપા રાખનાર યહોવાહ એવું કહે છે. 11હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી, દિલાસા વગરની, જુઓ, હું તારા પથ્થરો પીરોજમાં બેસાડીશ અને તારા પાયા નીલમના કરીશ. 12તારા બુરજોને હું માણેકના અને તારા દરવાજા લાલ પથ્થરના અને તારી બહારની દીવાલો રત્ન જડિત કરીશ. 13અને તારાં સંતાનોને યહોવાહ દ્વારા શીખવવામાં આવશે; અને તારાં સંતાનોને ઘણી શાંતિ મળશે. 14હું તને ન્યાયીપણામાં પુનઃસ્થાપિત કરીશ. તને હવે સતાવણીનો અનુભવ થશે નહિ, તને કંઈ ભય લાગશે નહિ અને કંઈ ભયજનક વસ્તુ તારી પાસે આવશે નહિ. 15જુઓ, જો કોઈ મુશ્કેલી ઊભી કરે, તો તે મારા તરફથી હશે નહિ; જેઓ તારી સામે મુશ્કેલી ઊભી કરશે તેઓ તારી આગળ હારી જશે. 16જો, મેં કારીગરને બનાવ્યો છે, જે બળતા અંગારાને ફૂંકે છે અને પોતાના કામ માટે ઓજારો ઘડે છે અને વિનાશકને વિનાશ કરવા માટે મેં ઉત્પન્ન કર્યો છે. 17તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ; અને જે કોઈ તારી વિરુદ્ધ બોલશે તેને તું દોષિત ઠરાવીશ. એ યહોવાહના સેવકોનો વારસો છે અને તેમનું ન્યાયીપણું મારાથી છે” એમ યહોવાહ કહે છે.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.