સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

યશાયા 52

આ અધ્યાય આમાં આવે છે: Troost voor de ballingen

1હે સિયોન, જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ટિત થા; હે યરુશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્રો પહેરી લે; કેમ કે હવે પછી બેસુન્નતી તથા અશુદ્ધ કદી તારામાં પ્રવેશ કરશે નહિ. 2હે યરુશાલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઊઠ અને બેસ: હે સિયોનની બંદીવાન દીકરી, તારી ગરદન પરની સાંકળ કાઢી નાખ. 3કેમ કે યહોવાહ કહે છે, “તમે મફત વેચાયા હતા અને નાણાં વિના તમે છોડાવી લેવામાં આવશો.” 4કેમ કે પ્રભુ યહોવાહ એવું કહે છે, “શરૂઆતમાં મારા લોકો મિસરમાં અસ્થાયી વસવાટ કરવા માટે ગયા હતા; આશ્શૂરે હમણાં જ તેમના ઉપર જુલમ કર્યો.” 5આ યહોવાહની ઘોષણા છે: “હવે અહીં મારે શું કરવું, કેમ કે મારા લોકને વિના કારણે લઈ જવામાં આવ્યા છે? તેઓના અધિકારીઓ બૂમ પાડે છે અને મારા નામની સતત આખો દિવસ નિંદા કરે છે.” આ યહોવાહની ઘોષણા છે. 6તેથી મારા લોકો મારું નામ જાણશે; તેઓ તે દિવસે જાણશે કે મેં જ આ કહ્યું હતું. હું જ તે છું!” 7સુવાર્તાનો સંદેશ લાવનારનાં પગલાં પર્વતો પર કેવાં શોભાયમાન છે, જે શાંતિની જાહેરાત કરે છે, જે વધામણીના સમાચાર લાવે છે, જે ઉદ્ધારની વાત જાહેર કરે છે, જે સિયોનને કહે છે, “તારા ઈશ્વર રાજ કરે છે!” 8સાંભળ, તારા ચોકીદારો પોકારે છે, તેઓ સાથે હર્ષનાદ કરે છે, કેમ કે યહોવાહ કેવી રીતે સિયોનમાં પાછા આવે છે, તે તેઓ નજરોનજર જોશે. 9હે યરુશાલેમનાં ખંડિયેર, તમે સર્વ હર્ષનાદ કરી ગાયન કરો; કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે; તેમણે યરુશાલેમનો ઉદ્ધાર કર્યો છે. 10યહોવાહે સર્વ દેશોને જોતાં પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે; આખી પૃથ્વી આપણા ઈશ્વરે કરેલો ઉદ્ધાર નિહાળશે. 11જાઓ, જાઓ ત્યાંથી બહાર જાઓ; કોઈ અશુદ્ધ વસ્તુને અડકશો નહિ; તેઓની મધ્યેથી બહાર જાઓ; તમે જેઓ યહોવાહનાં પાત્રો ઊંચકનારા છો તે, તમે શુદ્ધ થાઓ. 12કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું નથી કે ગભરાટમાં છોડવાનું નથી; કેમ કે યહોવાહ તમારી આગળ જાય છે; અને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે. 13જુઓ, મારો સેવક ડહાપણથી વર્તશે અને સફળ થશે; તે ઊંચો અને ઉન્નત થશે, તે અતિ ગૌરવશાળી થશે. 14જે પ્રમાણે લોકો તને જોઈને ભયભીત થયા - તેનું રૂપ માણસનાં રૂપ કરતા અલગ હતું, તેથી તેનો દેખાવ એવો હતો કે માણસ જ ન લાગે. 15તેથી ઘણા દેશો તેને જોઈને આશ્ચર્યચકિત થશે; રાજાઓ તેને કારણે પોતાના મુખ બંધ રાખશે. કારણ કે તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે અને જે તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.