સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

યશાયા 22

આ અધ્યાય આમાં આવે છે: Over de volken

1દર્શનની ખીણ વિષે ઈશ્વરવાણી. શું કારણ છે કે તારા સર્વ માણસો પોતાના ધાબા પર ચઢી ગયા છે? 2અરે, ઘોંઘાટિયા નગર, ખુશામતથી ભરપૂર નગર, તારા મૃત્યુ પામેલા તલવારથી મારેલા નથી અને તેઓ યુદ્ધમાં માર્યા ગયા નથી. 3તારા સર્વ અધિકારીઓ એકસાથે ભાગી ગયા, પણ તેઓ ધનુષ્ય વગર પકડાયા છે, તેઓ સર્વ સાથે પકડાયા અને બાંધવામાં આવ્યા; તેઓ દૂર નાસી ગયા. 4તેથી હું કહું છું કે, “મારી તરફ જોશો નહિ, હું ચોધાર આંસુએ રડીશ; મારા લોકની કન્યાના વિનાશને લીધે મને દિલાસો આપવા માટે શ્રમ કરશો નહિ. 5કેમ કે, દર્શનની ખીણમાં પ્રભુ યહોવાહે મોકલેલો ગડગડાટ, પાયમાલી તથા ઘોંઘાટ નો દિવસ છે, કોટ નો નાશ કરવાનો અને પર્વતની તરફ વિલાપ કરવાનો તે દિવસ છે. 6એલામના પાયદળ તથા ઘોડેસવારોની ટુકડીઓ સહિત ભાથો ઊંચકી લીધો; અને કીરે ઢાલ ઉઘાડી કરી છે. 7તારી ઉત્તમ ખીણો રથોથી ભરપૂર થઈ ગઈ હતી, અને ઘોડેસવારો દરવાજા આગળ પહેરો ભરતા ઊભા રહ્યા હતા.” 8તેણે યહૂદિયાની નિરાધાર સ્થિતિ ખુલ્લી કરી; અને તે દિવસે તેં વનના મહેલમાં શસ્ત્રો જોયાં. 9વળી તમે જોયું કે દાઉદના નગરના કોટમાં ઘણે સ્થળે ફાટ પડી છે; અને તમે નીચલા તળાવનું પાણી એકઠું કર્યું. 10તમે યરુશાલેમનાં ઘરોની ગણતરી કરી અને કોટને સમારવા માટે ઘરોને પાડી નાખ્યાં. 11વળી તમે બે કોટોની વચમાં પુરાતન તળાવનાં પાણીને માટે કુંડ કર્યો. પરંતુ તમે નગરનાં કર્તાની તરફ, જેણે અગાઉથી આ યોજના કરી હતી તેની તરફ લક્ષ લગાડ્યું નહિ. 12પ્રભુ, સૈન્યોના યહોવાહે તે દિવસે તમને રડવાને, વિલાપ કરવાને, માથું મુંડાવવાને તથા ટાટ પહેરવાને બોલાવ્યા. 13પરંતુ જુઓ, તેને બદલે આનંદ અને હર્ષ, બળદ મારવાનું અને ઘેટા કાપવાનું, માંસ ખાવાનું અને દ્રાક્ષારસ પીવાનું ચાલે છે, કેમ કે કાલે તો આપણે મરી જઈશું. 14મારા કાનોમાં સૈન્યોના યહોવાહે કહ્યું: “ખરેખર, આ અન્યાય તમને માફ કરવામાં આવશે નહિ, તમે મૃત્યુ પામો ત્યારે પણ નહિ,” પ્રભુ, સૈન્યોના યહોવાહે કહ્યું છે. 15પ્રભુ, સૈન્યોના યહોવાહે કહે છે: “આ પ્રધાન શેબ્ના જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઈને તેને કહે કે: 16‘તારું અહીં શું છે અને તું કોણ છે કે તેં પોતાને માટે અહીં કબર ખોદી છે? તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને માટે રહેઠાણ કોતરે છે!” 17જુઓ, યહોવાહ શૂરવીરની જેમ તને જોરથી ફેંકી દેશે; તે તને મજબૂતાઈથી પકડી રાખશે. 18તે નિશ્ચે તને દડાની જેમ લપેટી લપેટીને વિશાળ દેશમાં ફેંકી દેશે. ત્યાં તારું મૃત્યુ થશે અને તારા શોભાયમાન રથો ત્યાં જ રહેશે; તે તારા ધણીના ઘરને કલંક લગાડનાર થશે. 19“હું તને તારી પદવી અને સ્થાન પરથી હડસેલી કાઢીશ. તને તારી જગાએથી પાડી નાખીશ. 20તે દિવસે હું મારા સેવક હિલ્કિયાના દીકરા એલિયાકીમને બોલાવીશ. 21હું તેને તારો પોશાક પહેરાવીશ, તારો કમરબંધ તેની કમરે બાંધીશ, હું તેના હાથમાં તારો અધિકાર સોંપીશ. તે યરુશાલેમના રહેવાસીઓ સાથે તથા યહૂદિયાના માણસો સાથે પિતાની જેમ વર્તશે. 22હું દાઉદના ઘરની ચાવી તેના ખભા પર મૂકીશ; તે ઉઘાડશે તેને કોઈ બંધ નહિ કરી શકે; તે બંધ કરશે તેને કોઈ ઉઘાડી નહિ શકે. 23હું તેને મજબૂત સ્થાનમાં ખીલાની જેમ ઠોકી બેસાડીશ અને તે પોતાના પિતાના કુટુંબને માટે ગૌરવનું સિંહાસન થશે. 24તેઓ તેના પિતાના ઘરનો સર્વ વૈભવ, કુટુંબ-પરિવાર, પ્યાલા જેવાં નાનાં પાત્રથી તે શિરોઇ જેવા પાત્ર સુધી, તે સર્વ તેના પર લટકાવી રાખશે. 25સૈન્યોના યહોવાહનું એવું વચન છે કે, “તે દિવસે મજબૂત સ્થાનમાં જે ખીલો ઠોકી બેસાડેલો હતો તે નીકળી આવશે; અને તેના પર જે ભાર હતો તે નષ્ટ થશે” કેમ કે આ યહોવાહ એવું બોલ્યા છે.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.