સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

યશાયા 50

આ અધ્યાય આમાં આવે છે: Troost voor de ballingen

1યહોવાહ પૂછે છે કે, “છૂટાછેડાનો પત્ર ક્યાં છે જેનાથી મેં તારી માને છૂટાછેડા આપ્યા? અને મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા હતા? જો, તમારાં પાપોને લીધે તમે વેચાયા હતા અને તમારા બળવાને કારણે તમારી માને મેં તજી દીધી હતી. 2હું શા માટે આવ્યો પણ ત્યાં કોઈ હતું નહિ? મેં શા માટે પોકાર કર્યો પણ કોઈએ જવાબ આપ્યો નહિ? શું મારો હાથ એટલો બધો ટૂંકો થઈ ગયો છે કે તમને છોડાવી શકે નહિ? શું તમને બચાવવા માટે મારામાં શક્તિ નથી? જુઓ, મારા ઠપકાથી હું સમુદ્રને સૂકવી નાખું છું; હું નદીઓને રણ કરી નાખું છું; તેમાંની માછલીઓ પાણી વિના મરી જાય છે અને ગંધાઈ ઊઠે છે. 3હું આકાશને અંધકારથી ઢાકું છું; હું ટાટથી તેનું આચ્છાદન કરું છું.” 4હું થાકેલાઓને આશ્વાસનના શબ્દો બોલી શકું માટે, પ્રભુ યહોવાહે મને શીખેલાની જીભ આપી છે. તે દર સવારે મને જગાડે છે અને મારા કાનને ઉઘાડે છે કે હું શીખેલાની જેમ સાંભળું. 5પ્રભુ યહોવાહે મારા કાન ઉઘાડ્યાં છે અને મેં બંડ કર્યું નથી કે, પાછો હટ્યો નથી. 6મેં મારા મારનારની આગળ મારી પીઠ તથા વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા; અપમાનિત તથા થૂંકાવા છતાં મેં મારું મુખ સંતાડ્યું નહિ. 7કેમ કે પ્રભુ યહોવાહ મારી સહાય કરશે; તેથી હું ફજેત થનાર નથી; તેથી મેં મારું મુખ ચકમકના પથ્થર જેવું કર્યું છે, કેમ કે હું જાણું છું કે હું લજ્જિત થઈશ નહિ. 8મને ન્યાયી ઠરાવનાર પાસે છે. કોણ મારો વિરોધ કરશે? આવો આપણે સાથે ઊભા રહીને એક બીજાની સરખામણી કરીએ. મારા પર આરોપ મૂકનાર કોણ છે? તેને મારી પાસે આવવા દો. 9જુઓ, પ્રભુ યહોવાહ મને સહાય કરશે. મને અપરાધી ઠરાવનાર કોણ છે? જુઓ, તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; ઉધાઈ તેઓને ખાઈ જશે. 10તમારામાં યહોવાહની બીક રાખનાર કોણ છે? કોણ પોતાના સેવકની વાણી સાંભળે છે? કોણ ઘોર અંધકારમાં પ્રકાશ વિના ચાલે છે? તેણે યહોવાહના નામ પર ભરોસો રાખવો અને તેના ઈશ્વર પર આધાર રાખવો. 11જુઓ, તમે સર્વ અગ્નિ સળગાવનારા, જે મશાલોથી સજ્જ છો: તમારી સળગાવેલ જ્યોતમાં અને તમારી મશાલોના પ્રકાશમાં ચાલો. યહોવાહ કહે છે, ‘મારા હાથથી,’ ‘આ તમારી પાસે આવશે: તમે વિપત્તિના સ્થાનમાં પડી રહેશો.’”

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

Statenvertaling (1637) · World English Bible (2000) · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન (2019): © 2019 Bridge Connectivity Solutions, bridgeconn.com, via eBible.org. CC BY-SA 4.0; notes and headings omitted. · સ્રોતો અને લાઇસન્સ

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.