સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

યર્મિયાનો વિલાપ 2

આ અધ્યાય આમાં આવે છે: Gods toorn

1પ્રભુએ ક્રોધે ભરાઈને સિયોનની દીકરીને દુઃખના વાદળોથી ઢાંકી દીધી છે! તેમણે ઇઝરાયલની શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી દીધી છે. પોતાના કોપને દિવસે પોતાના પાયાસનનું સ્મરણ કર્યું નથી. 2પ્રભુએ યાકૂબનાં સર્વ નગરોને નષ્ટ કર્યા છે અને તેઓ પર દયા રાખી નથી. તેમણે ક્રોધે ભરાઈને યહૂદિયાની દીકરીના કિલ્લાઓને ભાંગી નાખ્યા છે; તેમણે તેઓને જમીનદોસ્ત કર્યા છે અને રાજ્યને તથા તેના સરદારોને ભ્રષ્ટ કર્યાં છે. 3તેમણે ભારે કોપથી ઇઝરાયલનું સઘળું બળ કાપી નાખ્યું છે. તેમણે શત્રુની આગળ પોતાનો જમણો હાથ પાછો ખેંચી લીધો છે. જે ભડભડ બળતો અગ્નિ ચારે તરફનું બાળી નાખે છે તેમ તેમણે યાકૂબને બાળી નાખ્યો છે. 4શત્રુની જેમ તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે. જાણે સામાવાળો હોય તેમ તેઓ પોતાનો જમણો હાથ ઉગામીને ઊભા રહ્યા છે. જે બધા દેખાવમાં સુંદર હતા, તેઓનો તેમણે નાશ કર્યો છે. સિયોનની દીકરીના મંડપમાં તેમણે પોતાનો કોપ અગ્નિની જેમ પ્રસાર્યો છે. 5પ્રભુ શત્રુના જેવા થયા છે. તેમણે ઇઝરાયલને પાયમાલ કર્યા છે. તેમના સર્વ રાજમહેલોને તેમણે નષ્ટ કર્યો છે અને તેમણે તેમના કિલ્લાઓનો નાશ કર્યો છે. તેમણે યહૂદિયાની દીકરીનો ખેદ તથા વિલાપ વધાર્યો છે. 6જાણે કે વાડીનો મંડપ હોય તેમ તેમણે પોતાનો હુમલો કરીને તેને તોડી પાડ્યો છે. તેમણે પોતાનું પવિત્રસ્થાન નષ્ટ કર્યું છે. યહોવાહે સિયોનમાં નીમેલા પર્વ તથા વિશ્રામવારને વિસ્મૃત કરાવ્યાં છે, કેમ કે પોતાના ક્રોધમાં તેમણે રાજાને તથા યાજકને તુચ્છકાર્યા છે. 7પ્રભુએ પોતાની વેદીને નકારી છે; તે પોતાના પવિત્રસ્થાનથી કંટાળી ગયા છે. તેમણે દુશ્મનના હાથે તેમના રાજમહેલની દીવાલોનો નાશ કરાવ્યો છે. જેમ પવિત્રસ્થાનને દિવસે ઉત્સવનો ઘોંઘાટ થાય છે તેમ તેઓએ યહોવાહના ભક્તિસ્થાનમાં ઘોંઘાટ કર્યો છે. 8યહોવાહે સિયોનની દીકરીની દીવાલો તોડી પાડવાનો નિશ્ચય કર્યો છે. તેમણે માપવાની દોરી લંબાવી છે અને તેનો નાશ કરવાથી પોતાનો હાથ પાછો પડવા દીધો નથી. તેમણે બુરજ તથા દીવાલોને ખેદિત કર્યા છે અને તેઓ એકસાથે ખિન્ન થાય છે. 9તેના દરવાજા ખંડેરોની જેમ દટાયેલા પડ્યા છે; તેમણે તેમની ભૂંગળોને ભાંગીને ભૂકો કરી નાખી છે. જે વિદેશીઓમાં મૂસાનું નિયમશાસ્ત્ર નથી હોતું તેવા લોકોમાં તેમનો રાજા તથા તેમના સરદારો છે. વળી તેમના પ્રબોધકોને પણ યહોવાહ તરફથી દર્શન થતું નથી. 10સિયોનની દીકરીના વડીલો મૂંગા થઈને ભૂમિ પર બેસે છે. તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી છે; તેઓએ ટાટનો પટ્ટો કમરે બાંધ્યો છે. યરુશાલેમની કુંવારિકાઓએ પોતાના માથાં જમીન સુધી નમાવ્યાં છે. 11રડી રડીને મારી આંખો લાલ થઈ છે; મારી આંતરડી કકળે છે. મારા લોકોની દીકરીના ત્રાસને લીધે મારું કાળજું બળે છે, કેમ કે છોકરાં તથા સ્તનપાન કરતાં બાળકો રાજમાર્ગ પર મૂર્ચ્છિત થાય છે. 12તેઓ પોતાની માતાઓને કહે છે, “અનાજ અને દ્રાક્ષારસ ક્યાં છે?” નગરની શેરીઓમાં ઘાયલ થયેલાની જેમ તેઓને મૂર્છા આવે છે, તેઓ તેઓની માતાના ખોળામાં મરણ પામે છે. 13હે યરુશાલેમની દીકરી, હું તારા વિષે તને શું કહું? હે સિયોનની કુંવારી દીકરી, હું તને કોની સાથે સરખાવું? તારો ઘા સમુદ્ર જેટલો ઊંડો છે. તને કોણ સાજી કરશે? 14તારા પ્રબોધકોએ તારે સારુ નિરર્થક તથા મુર્ખામીભર્યા સંદર્શનો જોયાં છે. તેઓએ તારો અન્યાય ઉઘાડો કર્યો નહિ, કે જેથી તારો બંદીવાસ પાછો ફેરવાઈ જાત, પણ તમારે માટે અસત્ય વચનો તથા પ્રલોભનો જોયા છે. 15જેઓ પાસે થઈને જાય છે તેઓ સર્વ તારી વિરુદ્ધ તાળી પાડે છે. તેઓ ફિટકાર કરીને યરુશાલેમની દીકરીની સામે માથાં હલાવીને કહે છે, “જે નગરને લોકો ‘સુંદરતાની સંપૂર્ણતા’ તથા ‘આખી પૃથ્વીનું આનંદસ્પદ કહેતા હતા, તે શું આ છે?” 16તારા સર્વ શત્રુઓ તારા પર પોતાનું મુખ ઉઘાડીને હાંસી ઉડાવે છે. તેઓ તિરસ્કાર કરીને તથા દાંત પીસીને કહે છે, “અમે તેને ગળી ગયા છીએ! જે દિવસની અમે રાહ જોતા હતા તે ચોક્કસ આ જ છે! તે અમને પ્રાપ્ત થયો છે! અમે તેને જોયો છે!” 17યહોવાહે જે વિચાર્યું તે તેમણે કર્યું છે. પોતાનું જે વચન તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું તે તેમણે પૂરું કર્યું છે. દયા રાખ્યા વગર તેમણે તેને તોડી પાડ્યું છે, તારો શત્રુ તારા હાલ જોઈને હરખાય, એવું તેમણે કર્યું છે; તેમણે તારા દુશ્મનોનું શિંગડાં ઊંચું ચઢાવ્યું છે. 18તેઓના હૃદય પ્રભુને પોકારતા હતા, “હે સિયોનની દીકરીના કોટ, તારી આંખમાંથી રાતદિવસ આંસુઓ નદીની જેમ વહેતાં જાય; પોતાને વિસામો ન આપ. તારી આંખની કીકીને સુકાવા ન દે. 19તું રાત્રીના પ્રથમ પહોરે ઊઠીને મોટેથી પ્રાર્થના કર; પ્રભુની સમક્ષ હૃદયને પાણીની જેમ વહાવ. તારાં જે બાળકો સર્વ શેરીઓના નાકાંમાં ભૂખે મૂર્ચ્છિત થાય છે, તેઓના જીવ બચાવવાને માટે તારા હાથ તેમની તરફ ઊંચા કર.” 20હે યહોવાહ, જુઓ અને વિચાર કરો કે તમે કોને આવું દુઃખ આપ્યું છે. શું સ્ત્રીઓ પોતાના સંતાનોને, એટલે સ્તનપાન કરાવેલા બાળકનો ભક્ષ કરે? શું યાજક તથા પ્રબોધક પ્રભુના પવિત્રસ્થાનમાં માર્યા જાય? 21જુવાન તથા વૃદ્ધો શેરીઓમાં ભૂમિ પર પડેલા છે. મારી કન્યાઓ તથા મારા યુવાનોને તલવારથી કાપી નાખવામાં આવ્યાં છે. તમે તમારા કોપના સમયમાં તેઓને મારી નાખ્યાં છે; તમે દયા કર્યા વગર તેમની કતલ કરી છે. 22જાણે કે પર્વના દિવસને માટે તમે મારી આસપાસ લડાઈની ધાસ્તી ઊભી કરી છે; યહોવાહના કોપને દિવસે કોઈ છૂટ્યો અથવા બચી ગયો નથી. જેઓને મેં ખોળામાં રમાડ્યાં તથા ઉછેર્યાં, તેઓને મારા શત્રુઓએ નષ્ટ કર્યાં છે.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.