સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

અયૂબ 15

આ અધ્યાય આમાં આવે છે: Gesprekken met de vrienden

1પછી અલિફાઝ તેમાનીએ ઉત્તર આપીને કહ્યું કે, 2“શું કોઈ જ્ઞાની માણસ ખાલી શબ્દોથી દલીલ કરે અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે? 3શું તે નિરર્થક વાત વડે કે, હિત ન કરી શકે એવા ભાષણ વડે દલીલ કરે? 4હા, તું ઈશ્વરના ભયનો પણ ત્યાગ કરે છે. તથા તું ઈશ્વરભક્તિને અટકાવે છે, 5કેમ કે તારો અન્યાય તારા મુખને શીખવે છે. અને તું કપટીઓની જીભને પસંદ કરે છે. 6મારા નહિ, પણ તારા પોતાના જ શબ્દો તને દોષિત ઠરાવે છે; હા, તારી વાણી જ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે. 7શું તું આદિ પુરુષ છે? શું પર્વતો ઉત્પન્ન થયા તે પહેલાં તું જન્મ્યો હતો? 8શું તેં ઈશ્વરના ગૂઢ ડહાપણ વિષે સાંભળ્યું છે ખરું? શું તેં બધી બુદ્ધિ તારા પોતાનામાં સમાવી રાખી છે? 9અમે ન જાણતા હોઈએ એવું તું શું જાણે છે? અમારા કરતાં તારામાં કઈ વિશેષ સમજદારી છે? 10અમારામાં પળીયાંવાળા તથા વૃદ્ધ માણસો છે, જેઓ તારા પિતા કરતાં પણ મોટી ઉંમરના પુરુષો છે. 11શું ઈશ્વરના દિલાસા, તથા તારી પ્રત્યેના અમારા નમ્ર વચનો તારી નજરમાં કંઈ વિસાતમાં નથી.? 12તારું હૃદય તને કેમ દૂર લઈ જાય છે? તારી આંખો કેમ મિચાય છે? 13તેથી તું તારું હૃદય ઈશ્વરની વિરુદ્ધ કરે છે. અને શા માટે એવા શબ્દો તારા મુખમાંથી નીકળવા દે છે? 14શું માણસ પવિત્ર હોઈ શકે? સ્ત્રીજન્ય માનવી ન્યાયી હોઈ શકે? 15જો, તે પોતાના સંત પુરુષોનો પણ ભરોસો કરતો નથી. હા, તેમની દ્રષ્ટિમાં તો આકાશો પણ શુદ્ધ નથી; 16તો જે ધિક્કારપાત્ર, અધમ, તથા પાણીની જેમ અન્યાયને પી જાય છે તો તે કેટલા વિશેષ ગણાય! 17હું તમને બતાવીશ; મારું સાંભળો; મેં જે જોયું છે તે હું તમને કહી સંભળાવીશ. 18તે જ્ઞાની પુરુષોએ પોતાના પિતૃઓ પાસેથી સાંભળીને પ્રગટ કર્યું છે, તેઓએ કંઈ પણ છુપાવ્યું નથી. 19કેવળ આ તેઓના પિતૃઓને જ ભૂમિ આપવામાં આવી હતી. અને તેઓમાં કોઈ વિદેશી જવા પામતો નથી. 20દુર્જન તેના આખા જીવન પર્યંત પીડા ભોગવે છે, તે પોતાનાં નિયત કરેલાં વર્ષો દરમ્યાન કષ્ટથી પીડાય છે. 21તેનાં કાનમાં ભયનો અવાજ ગૂંજે છે; આબાદીને સમયે લૂંટનાર તેના પર હુમલો કરશે. 22તે માનતો નથી કે હું અંધકારમાંથી પાછો આવીશ; તે માને છે કે તલવાર તેની રાહ જોઈ રહી છે. 23તે ખોરાક માટે એમ કહીને ભટકે છે કે, તે ક્યાં છે? તે જાણે છે કે અંધકારનાં દિવસો નજીક છે. 24સંકટ તથા વેદના તેને ભયભીત કરે છે; યુદ્ધને માટે સજ્જ થયેલા રાજાની જેમ તેઓ તેના પર વિજય મેળવે છે. 25કેમ કે તેણે ઈશ્વરની સામે પોતાનો હાથ ઉઠાવ્યો છે અને સર્વશક્તિમાન ઈશ્વરની સામે તે અહંકારથી વર્તે છે. 26દુષ્ટ માણસ ગરદન અક્કડ રાખીને, મજબૂત ઢાલથી સજ્જ થઈને ઈશ્વર તરફ દોડે છે 27આ સાચું છે, જો કે તેણે પોતાનું મુખ તેના શરીરની ચરબીથી ઢાંક્યું છે અને તેની કૂખો પર ચરબીનાં પડ બાઝ્યાં છે. 28તે ઉજ્જડ નગરોમાં જે ઘરમાં કોઈ રહે નહિ એવાં, તથા જીર્ણ થઈ ગયેલાં ઘરોમાં રહે છે. 29તે ધનવાન થશે નહિ તેની સમૃદ્ધિ ટકશે નહિ. તેનાં વતનો પૃથ્વી પર વિસ્તાર પામશે નહિ. 30તે અંધકારમાંથી બચશે નહિ; જ્વાળાઓ તેની ડાળીઓને સૂકવી નાખશે; અને ઈશ્વરના શ્વાસથી નાશ પામશે. 31તેણે નિરર્થક બાબતોમાં વિશ્વાસ કરીને પોતાને મૂર્ખ બનાવવો જોઈએ નહિ; કેમ કે તેને કંઈ મળશે નહિ. 32તેના જીવનનો અંત આવે તે પહેલાં ભરપૂરી પામશે, અને તેની ડાળીઓ લીલી નહિ રહેશે. 33દ્રાક્ષના વેલાની જેમ તે પોતાની કાચી દ્રાક્ષો પાડી નાખશે; અને જૈતૂનના વૃક્ષની જેમ તેનાં ફૂલ ખરી પડશે. 34કેમ કે ઢોંગી લોકોનો સંગ નિષ્ફળ થશે; રુશવતખોરોનાં ઘરો અગ્નિથી નાશ પામશે. 35દુષ્ટ લોકો નુકસાનનો ગર્ભ ધારણ કરે છે. અને અન્યાયને જન્મ આપે છે; તેઓનું પેટ ઠગાઈને સિદ્ધ કરે છે.”

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.