સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

સફાન્યા 1

આ અધ્યાય આમાં આવે છે: De dag van de HEERE

1યહૂદિયાના રાજાની, એટલે આમોનના દીકરા યોશિયાની કારકિર્દીમાં, હિઝકિયાના દીકરા અમાર્યાના દીકરા ગદાલ્યાના દીકરા કૂશીના દીકરા સફાન્યા પાસે આ પ્રમાણે યહોવાહનું વચન આવ્યું. 2યહોવાહ કહે છે કે, “હું આ પૃથ્વીની સપાટી પરથી સર્વ વસ્તુનો સંપૂર્ણ નાશ કરીશ. 3હું માણસ તથા પશુઓનો નાશ કરીશ. હું આકાશના પક્ષીઓને તથા સમુદ્રની માછલીઓને પણ નષ્ટ કરીશ, અને દુષ્ટોની સાથે ઠોકર ખવડાવનારી વસ્તુઓનો પણ વિનાશ કરીશ. કેમ કે પૃથ્વીની સપાટી પરથી હું માણસનો નાશ કરીશ,” એવું યહોવાહ કહે છે. 4“હું મારો હાથ યહૂદિયા તથા યરુશાલેમના બધા રહેવાસીઓ પર લંબાવીશ, અને હું આ જગ્યાએથી બઆલના શેષનો તથા વ્યભિચારીઓના નામનો તથા યાજકોનો અંત લાવીશ. 5તેઓ ઘરની અગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરે છે, અને યહોવાહની સેવા કરનારાઓ અને સમ ખાનારાઓ છતાં માલ્કામને નામે પણ સમ ખાય છે. 6જે લોકો યહોવાહને અનુસરવાથી પાછા ફર્યા છે, જેઓ મને શોધતા કે મારી સલાહ લેતા નથી તેઓનો હું નાશ કરીશ.” 7પ્રભુ યહોવાહની સંમુખ શાંત રહો, કેમ કે યહોવાહનો દિવસ પાસે છે; યહોવાહે યજ્ઞ તૈયાર કર્યો છે તથા પોતાના અતિથિઓને પવિત્ર કર્યાં છે. 8“યહોવાહના યજ્ઞના દિવસે એવું થશે કે, હું અમલદારોને, રાજકુમારોને, તેમ જ જેઓએ પરદેશી વસ્ત્રો પહરેલાં હશે તે દરેકને શિક્ષા કરીશ. 9જેઓ ઉંબરો કૂદી જઈને, પોતાના માલિકનું ઘર હિંસાથી અને કપટથી ભરે છે તે સર્વને હું તે દિવસે શિક્ષા કરીશ.” 10યહોવાહ કહે છે કે, “તે દિવસે મચ્છી દરવાજેથી આપત્તિના પોકાર થશે, બીજા મહોલ્લામાં રુદન થશે, અને ડુંગરોમાંથી મોટા કડાકા સંભળાશે. 11માખ્તેશના રહેવાસીઓ વિલાપ કરો, કેમ કે બધા વેપારીઓ નાશ પામ્યા છે; ચાંદીથી લદાયેલા સર્વનો નાશ થશે. 12તે સમયે એવું થશે કે, જેઓ પોતાના દ્રાક્ષારસમાં સ્થિર થયા હશે અને પોતાના મનમાં કહેશે કે, ‘યહોવાહ અમારું કશું ખરાબ કે ભલું નહિ કરે’ એવું માનનારા માણસોને, તે વખતે હું દીવો લઈને યરુશાલેમમાંથી શોધી કાઢીશ અને શિક્ષા કરીશ. 13તેમનું ધન લૂંટાઈ જશે, અને તેમનાં ઘરોનો નાશ થશે! તેઓ ઘરો બાંધશે પણ તેમાં રહેવા પામશે નહિ, દ્રાક્ષવાડીઓ રોપશે પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ! 14યહોવાહનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે અને બહુ ઝડપથી આવે છે. યહોવાહના દિવસનો સાદ સંભળાય છે, તે વખતે યોદ્ધાઓ પોક મૂકીને રડે છે. 15તે દિવસ કોપનો દિવસ, દુ:ખ તથા સંકટનો દિવસ, વિનાશનો તથા આફતનો દિવસ, અંધકાર તથા ધૂંધળાપણાનો દિવસ, વાદળો તથા અંધકારનો દિવસ છે. 16કોટવાળાં નગરો વિરુદ્ધ તથા ઊંચા બુરજો વિરુદ્ધ રણશિંગડાનો તથા ભયસૂચક નાદનો દિવસ છે. 17કેમ કે હું માણસો ઉપર એવી આપત્તિ લાવીશ કે, તેઓ દ્રષ્ટિહીન માણસની જેમ ચાલશે, કેમ કે તેઓએ યહોવાહની વિરુદ્ધ પાપ કર્યુ છે. તેઓનું લોહી ધૂળની માફક વહેશે અને તેઓનાં શરીર છાણની જેમ ફેંકી દેવામાં આવશે. 18યહોવાહના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને ઉગારી શકશે નહિ, આખી પૃથ્વી યહોવાહના પ્રચંડ રોષના અગ્નિથી ભસ્મીભૂત થઈ જશે. પૃથ્વી પરના સર્વ રહેવાસીઓનો અંતે, ઝડપી વિનાશ થશે.”

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.