સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

સભાશિક્ષક 7

આ અધ્યાય આમાં આવે છે: Wat de mens niet weet

1સારી શાખ મૂલ્યવાન અત્તર કરતાં વધારે સારી છે. જન્મના દિવસ કરતાં મૃત્યુનો દિવસ સારો છે. 2ઉજવણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું છે. કેમ કે પ્રત્યેક મનુષ્યની જિંદગીનો અંત મૃત્યુ જ છે. જીવતો માણસ તે વાત પોતાના હૃદયમાં ઠસાવી રાખશે. 3હાસ્ય કરતાં ખેદ સારો છે. કેમ કે ચહેરાના ઉદાસીપણાથી અંત:કરણ આનંદ પામે છે. 4જ્ઞાનીનું અંત:કરણ શોકના ઘરમાં હોય છે પણ મૂર્ખનું અંત:કરણ હર્ષના ઘરમાં હોય છે. 5કોઈ માણસે મૂર્ખનું ગીત સાંભળવું તેના કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો તે સારું છે 6કેમ કે જેમ સગડી પરના પાત્રની નીચે કાંટાનો ભડભડાટ હોય છે તેમ મૂર્ખનું હાસ્ય છે એ પણ વ્યર્થતા છે. 7નિશ્ચે જુલમ મનુષ્યને મૂર્ખ બનાવે છે, તે તેની સમજશકિતનો નાશ કરે છે. 8કોઈ બાબતના આરંભ કરતાં તેનો અંત સારો છે, અને અભિમાની મનુષ્ય કરતાં ધૈર્યવાન મનવાળો મનુષ્ય સારો છે. 9ક્રોધ કરવામાં ઉતાવળો ન થા કેમ કે ક્રોધ મૂર્ખોના હૃદયમાં રહે છે. 10“અગાઉના દિવસો હાલનાં કરતાં વધારે સારા હતા એનું કારણ શું છે?” એવું તું ન પૂછ કારણ કે આ વિશે પૂછવું તે ડહાપણ ભરેલું નથી. 11બુદ્ધિ વારસા જેવી ઉત્તમ છે અને સૂર્ય જોનારાઓ માટે તે વધુ ઉત્તમ છે. 12દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે, પરંતુ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવની રક્ષા કરે છે. 13ઈશ્વરનાં કામનો વિચાર કરો; તેમણે જેને વાંકુ કર્યુઁ છે તેને સીધું કોણ કરી શકશે? 14ઉન્નતિના સમયે આનંદ કર. પણ વિપત્તિકાળે વિચાર કર; ઈશ્વરે એ બન્નેને એકબીજાના સાથી બનાવ્યા છે. જેથી ભવિષ્યમાં શું થશે તેમાંનું કશું જ માણસ શોધી શકતો નથી. 15આ બધું મેં મારા વ્યર્થપણાના દિવસોમાં જોયું છે. એટલે નેક પોતાની નેકીમાં મૃત્યુ પામે છે, અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા હોવા છતાં લાંબુ આયુષ્ય ભોગવે છે. 16પોતાની નજરમાં વધારે નેક ન થા. કે વધારે દોઢડાહ્યો ન થા એમ કરીને શા માટે પોતાનો વિનાશ નોતરે છે? 17અતિશય દુષ્ટ ન થા તેમ જ મૂર્ખ પણ ન થા. તેમ કરીને શા માટે તું અકાળે મૃત્યુ પામે? 18દુષ્ટતાને તું વળગી ન રહે, પણ નેકીમાંથી તારો હાથ પાછો ખેંચી ન લેતો. કેમ કે જે માણસ ઈશ્વરનો ડર રાખે તે એ સર્વમાંથી મુક્ત થશે. 19દશ અમલદારો નગરમાં હોય તેના કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શક્તિશાળી બનાવે છે. 20જે હંમેશા સારું જ કરે છે અને પાપ કરતો જ નથી એવો એક પણ નેક માણસ પૃથ્વી પર નથી. 21વળી જે જે શબ્દો બોલવામાં આવે છે. તે સર્વને લક્ષમાં ન લે. રખેને તું તારા ચાકરને તને શાપ દેતા સાંભળે. 22કેમ કે તારું પોતાનું અંત:કરણ જાણે છે કે તેં પણ કેટલીય વાર બીજાઓને શાપ દીધા છે. 23મેં આ સર્વની બુદ્ધિથી પરીક્ષા કરી છે મેં કહ્યું કે, “હું બુદ્ધિમાન થઈશ,” પણ તે બાબત મારાથી દૂર રહી. 24‘ડહાપણ’ ઘણે દૂર અને અતિશય ઊંડુ છે તેને મેળવવું ઘણું મુશ્કેલ છે. તેને કોણ શોધી કાઢી શકે? 25હું ફર્યો મેં જ્ઞાન મેળવવાને તથા તેને શોધી કાઢવાને તથા તેના મૂળ કારણની માહિતી મેળવવાને અને દુષ્ટતા એ મૂર્ખાઈ છે, અને મૂર્ખાઈએ પાગલપણું છે એ જાણવા મેં મારું મન લગાડ્યું. 26તેથી મેં જાણ્યું કે મૃત્યુ કરતાં પણ એક વસ્તુ વધારે કષ્ટદાયક છે, તે એ છે કે જેનું અંત:કરણ ફાંદા તથા જાળરૂપ છે તથા જેના હાથ બંધન સમાન છે તેવી સ્ત્રી. જે કોઈ ઈશ્વરને પ્રસન્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે, પરંતુ પાપી તેની જાળમાં સપડાઈ જશે. 27સભાશિક્ષક કહે છે; “સત્ય શોધી કાઢવા માટે’ બધી વસ્તુઓને સરખાવી જોતાં મને આ માલૂમ પડ્યું કે, 28તેને મારું હૃદય હજી શોધ્યા જ કરે છે પણ તે મને મળતું નથી. હજારોમાં મને એક પુરુષ મળ્યો છે, પણ એટલા બધામાં મને એક પણ સ્ત્રી મળી નથી. 29મને ફક્ત એટલી જ સત્ય હકીકત જાણવા મળી છે કે, ઈશ્વરે મનુષ્યને નેક બનાવ્યો છે ખરો પરંતુ તેણે ઘણી યુકિતઓ શોધી કાઢી છે.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.