સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

માર્ક 13

આ અધ્યાય આમાં આવે છે: In Jeruzalem

1ઈસુ ભક્તિસ્થાનમાંથી બહાર જતા હતા. ત્યારે તેમનો એક શિષ્ય તેમને કહે છે કે, ‘ઉપદેશક, જુઓ, કેવાં પથ્થર તથા કેવાં બાંધકામો!’ 2ઈસુએ તેને કહ્યું કે, ‘શું તું એ મોટાં બાંધકામો જુએ છે? પાડી નહિ નંખાય એવો એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.’” 3જૈતૂન પહાડ પર, મંદિરની સામે તે બેઠા હતા ત્યારે પિતરે, યાકૂબે, યોહાને તથા આન્દ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું, 4‘અમને કહો, એ ક્યારે થશે? જયારે તે બધાં પૂરાં થવાનાં હશે, ત્યારે કયા ચિહ્ન થશે?’” 5ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, ‘કોઈ તમને ભુલાવામાં ન નાખે, માટે સાવધાન રહો. 6ઘણાં મારે નામે આવીને કહેશે કે, તે હું છું અને ઘણાંઓને ગેરમાર્ગે દોરશે. 7પણ જયારે યુદ્ધ વિષે તથા યુદ્ધની અફવાઓ વિષે તમે સાંભળો, ત્યારે ગભરાશો નહિ; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે. 8કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; જગ્યા જગ્યાએ ધરતીકંપ થશે અને દુકાળો પડશે; આ તો મહાદુઃખનો આરંભ છે. 9પણ પોતાના વિષે સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે; સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો; અને તમને મારે લીધે અધિકારીઓ તથા રાજાઓ આગળ, તેઓને માટે સાક્ષી થવા સારુ, ઊભા કરવામાં આવશે. 10પણ પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ. 11જયારે તેઓ તમને ધરપકડ કરશે, ત્યારે શું બોલવું તે વિષે અગાઉથી ચિંતા ન કરો; પણ તે વેળા તમને જે આપવામાં આવશે તે પ્રમાણે બોલજો; કેમ કે બોલનાર તે તમે નહિ, પણ પવિત્ર આત્મા હશે. 12ભાઈ ભાઈને તથા પિતા છોકરાંને મરણદંડને સારુ પકડાવશે; છોકરાં માબાપની સામે ઊઠશે અને તેઓને મારી નંખાવશે. 13મારા નામને લીધે બધા તમારો દ્વેષ કરશે; પણ જે અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે. 14પણ જ્યારે તમે પાયમાલીની ધિક્કારપાત્રતા જ્યાં ઘટિત નથી ત્યાં ભક્તિસ્થાનમાં ઊભેલી જુઓ, જે વાંચે છે તેણે સમજવું, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય. 15અગાશી પર હોય તે ઊતરીને ઘરમાંથી કંઈ લેવા સારુ અંદર ન જાય; 16અને જે ખેતરમાં હોય તે પોતાનું વસ્ત્ર લેવાને પાછો ન આવે. 17તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને સ્તનપાન કરાવતી હોય તેઓને અફસોસ છે! 18તમારું નાસવું શિયાળામાં ન થાય, માટે પ્રાર્થના કરો; 19કેમ કે તે દિવસોમાં જેવી વિપત્તિ થશે, તેવી વિપત્તિ ઈશ્વરે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી થઈ નથી અને થશે પણ નહિ. 20જો પ્રભુએ તે દિવસોને ઓછા કર્યા ન હોત, તો કોઈ માણસ ન બચત; પણ જેઓને તેમણે પસંદ કર્યા તેઓને માટે તેમણે આ દિવસોને ટૂંકા કર્યા છે. 21તે વેળાએ જો કોઈ તમને કહે કે, જુઓ, અહીં ખ્રિસ્ત છે; કે જુઓ, તે ત્યાં છે, તો માનશો નહિ. 22કેમ કે નકલી ખ્રિસ્તો તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે; તેઓ ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી દેખાડશે, એ માટે કે, જો બની શકે તો, તેઓ પસંદ કરેલાઓને પણ છેતરે. 23તમે સાવધાન રહો; જુઓ, મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે. 24પણ તે દિવસોમાં, એ વિપત્તિ પછી, સૂર્ય અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે, 25આકાશના તારાઓ ખરવા લાગશે; અને આકાશમાંના પરાક્રમો હલાવાશે. 26ત્યારે તેઓ માણસના દીકરાને ભરપૂર પરાક્રમ તથા મહિમાસહિત વાદળામાં આવતા જોશે. 27ત્યારે તે પોતાના સ્વર્ગદૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી, ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકઠા કરશે. 28હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો; જયારે તેની ડાળી કુમળી જ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે. 29એમ જ તમે પણ જયારે આ બધું થતું જુઓ, ત્યારે તમારે જાણવું કે, ખ્રિસ્ત પાસે એટલે બારણા આગળ જ છે. 30હું તમને નિશ્ચે કહું છું કે આ બધાં પૂરાં થાય ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ. 31આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ. 32પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ અને દીકરો પણ નહિ. 33સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો; કેમ કે એ સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી. 34તે આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં મુસાફરી કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને પણ જાગતા રહેવાની આજ્ઞા આપી હોય. 35માટે તમે જાગતા રહો; કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, સાંજે, મધરાતે, મરઘો બોલતી વખતે કે સવારે! 36એમ ન થાય કે તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ. 37અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, ‘જાગતા રહો.’”

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.