સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

યર્મિયા 10

આ અધ્યાય આમાં આવે છે: Oordeel over Juda en Jeruzalem

1“હે ઇઝરાયલના લોકો, જે વચન યહોવાહ તમને કહે છે તે સાંભળો. 2યહોવાહ આ પ્રમાણે કહે છે કે, વિદેશીઓને રસ્તે જશો નહિ, અને આકાશોના ચિહ્નોથી ભયભીત થશો નહિ. કેમ કે પ્રજાઓએ તેઓથી ભયભીત થયા છે. 3કેમ કે તે લોકોની ધર્મક્રિયા વ્યર્થ છે. કુહાડાથી વનમાં કાપેલા ઝાડનાં લાકડાં પર કારીગર પોતાના હાથથી કામ કરે છે. 4એ મૂર્તિને તેઓ સોનારૂપાથી શણગારે છે. અને તે હાલે નહિ, માટે તેને હથોડાથી ખીલા મારીને બેસાડે છે. 5તે કાકડીની વાડીના સ્તંભ જેવી છે. મૂર્તિઓ બોલતી નથી, તેઓને ઉપાડવી પડે છે. કેમ કે તેઓ ચાલી શકતી નથી. તેઓથી ન બીઓ. કેમ કે તેઓ ભૂંડું કરી શકે નહિ. તેમ જ ભલું પણ કરી શકતી નથી. 6હે યહોવાહ, તમારા જેવા બીજા કોઈ ઈશ્વર નથી. તમે મહાન છો અને સામર્થ્યમાં તમારું નામ મોટું છે. 7હે સર્વ પ્રજાઓના રાજા, તમારો ભય કોને નહિ લાગે? કેમ કે રાજ્ય તમારું છે. વળી વિદેશીઓના સર્વ જ્ઞાનીઓમાં અને બધા રાજ્યોમાં તમારા જેવું કોઈ નથી. 8તેઓ સર્વ નિર્બુદ્ધ અને મૂર્ખ છે. મૂર્તિઓ પાસેથી જે શિખામણ મળે છે તે માત્ર લાકડું જ છે. 9તેઓ તાર્શીશમાંથી રૂપાનાં પતરાં લાવે છે. અને ઉફાઝમાંથી સોનું લાવે છે. કારીગર તથા સોની તે પર કામ કરે છે. તેઓના વસ્ત્ર નીલરંગી તથા જાંબુડિયાં છે. તે સઘળું નિપુણ માણસોનું કામ છે. 10પરંતુ યહોવાહ સત્ય ઈશ્વર છે, તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના રોષથી ધરતી ધ્રૂજી ઊઠે છે. અને તેમનો ક્રોધ પ્રજાઓ ખમી શકતા નથી. 11તેઓને કહો કે, જે દેવોએ આકાશ તથા પૃથ્વી બનાવ્યાં નથી તેઓ પૃથ્વી પરથી તથા આકાશ તળેથી નાશ પામશે.’” 12ઈશ્વરે પોતાના સામર્થ્યથી પૃથ્વીને ઉત્પન્ન કરી છે, પોતાના ડહાપણથી પૃથ્વીને સ્થાપી છે અને પોતાના કૌશલ્યથી આકાશને વિસ્તાર્યું છે. 13તે ગર્જના કરે છે ત્યારે આકાશમાં પાણીનો ઘુઘવાટ થાય છે. અને પૃથ્વીને છેડેથી તે વાદળાં ચઢાવે છે. તે વરસાદને માટે વીજળીને ચમકાવે છે અને પોતાના ભંડારમાંથી વાયુઓને કાઢે છે. 14બધા માણસો મૂર્ખ અને અજ્ઞાની થઈ ગયા છે. દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઈને લજ્જિત થયો છે, કેમ કે તેની ગાળેલી મૂર્તિ અસત્ય છે; તેઓમાં શ્વાસ નથી. 15તેઓ વ્યર્થ છે, તેઓ ભ્રાંતિરૂપ છે. તેઓના શાસનના સમયે તેઓ નાશ પામશે. 16પણ યાકૂબનો હિસ્સો તેમના જેવો નથી; યાકૂબના ઈશ્વર તો આખી સૃષ્ટિના સર્જનહાર છે અને ઇઝરાયલીઓને તેમના વારસા ના કુળ તરીકે ગણે છે; તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે. 17હે કિલ્લામાં રહેનારી તારો સરસામાન બાંધ અને દેશમાંથી નીકળી જા. 18કેમ કે યહોવાહ કહે છે કે; જુઓ, આ વખતે હું દેશના રહેવાસીઓને ગોફણના ગોળાની જેમ બહાર ફેંકી દઈશ અને તેઓને ખબર પડે તે માટે, હું તેઓને દુઃખી કરીશ.’ 19અમારા ઘાને લીધે અફસોસ! મને ભારે જખમ લાગ્યો છે. તેથી મેં કહ્યું, ‘ખરેખર આ તો મારું દુઃખ છે અને મારે તે સહન કરવું જોઈએ.’ 20મારો તંબુ નષ્ટ થયો છે અને મારા સર્વ દોરડાં તૂટી ગયાં છે; તેઓએ અમારા દીકરાઓને અમારી પાસેથી લઈ લીધા છે. હવે તેઓ અહીં નથી. અમારો તંબુ ફરી ઊભો કરનાર કે એના પડદા બાંધનાર કોઈ નથી. 21કેમ કે પાળકો મૂર્ખ થઈ ગયા છે. તેઓ યહોવાહને અનુસરતા નથી. તેથી તેઓ સફળ થતા નથી; અને તેઓનાં બધાં ટોળાં વેરવિખેર થઈ ગયાં છે. 22જુઓ, બુમાટાનો અવાજ પાસે આવ્યો છે; તે આવે છે. ઉત્તર તરફથી મોટો કોલાહલ સંભળાય છે. જેથી યહૂદિયાનાં નગરો ઉજ્જડ થઈ જાય અને તેમાં શિયાળવાં વસે. 23હે યહોવાહ, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ તેના હાથમાં નથી. માણસ પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી. 24હે યહોવાહ ન્યાયની રૂએ મને શિક્ષા કરો, રોષમાં નહિ, રખેને તમે અમને નાબૂદ કરો. 25જે વિદેશીઓ તમને માનતા નથી, જે કુળો તમારું નામ લેતાં નથી. તેઓના પર તમારો કોપ રેડી દો કેમ કે તેઓ યાકૂબને ખાઈ ગયા છે, તેમણે તેમનો અંત આણ્યો છે અને તેમના દેશને વેરાન બનાવી દીધો છે.”

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.