સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

1 યોહાન 2

આ અધ્યાય આમાં આવે છે: Wandelen in het licht

1મારા વહાલા બાળકો, તમે પાપ ન કરો તે માટે હું તમને આ વાતો લખું છું. અને જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણા મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે. 2તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત છે, કેવળ આપણાં જ નહિ, પણ આખા માનવજગતના પાપનું તેઓ પ્રાયશ્ચિત છે. 3જો આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, તો તેથી આપણે સમજીએ છીએ કે આપણે તેમને ઓળખીએ છીએ. 4જે કહે છે કે હું તેમને ઓળખું છું, પણ તેમની આજ્ઞા પાળતો નથી, તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી. 5પણ જે કોઈ તેમનું વચન પાળે છે તેનામાં ઈશ્વર પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે તેમનાંમાં છીએ. 6હું ઈશ્વરમાં રહું છું એમ જે કહે છે તેણે જેમ ઈસુ ખ્રિસ્ત ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ. 7વહાલાંઓ, નવી આજ્ઞા નહિ, પણ જૂની આજ્ઞા જે તમારી પાસે આરંભથી હતી, તે વિષે હું તમને લખું છું. જે વચન તમે સાંભળ્યું, તે જ જૂની આજ્ઞા છે. 8વળી નવી આજ્ઞા જે તેમનાંમાં તથા તમારામાં સત્ય છે, તે હું તમને લખું છું. કેમ કે અંધકાર જતો રહે છે અને ખરું અજવાળું હમણાં પ્રકાશે છે. 9જે કહે છે કે, હું અજવાળામાં છું અને પોતાના ભાઈનો દ્વેષ કરે છે, તે હજી સુધી અંધકારમાં જ છે. 10જે પોતાના ભાઈ પર પ્રેમ કરે છે, તે અજવાળામાં રહે છે અને તેનામાં કશું ઠોકરરૂપ નથી. 11પણ જે પોતાના ભાઈનો દ્વેષ કરે છે, તે અંધકારમાં છે અને અંધકારમાં ચાલે છે. તે પોતે ક્યાં જાય છે, તે જાણતો નથી. કેમ કે અંધકારે તેની આંખો અંધ કરી નાખી છે. 12બાળકો, હું તમને લખું છું કારણ કે તેમના નામથી તમારાં પાપ માફ થયાં છે. 13પિતાઓ, હું તમને લખું છું કારણ કે જે આરંભથી છે, તેમને તમે ઓળખો છો. જુવાનો, હું તમને લખું છું કારણ કે તમે દુષ્ટને હરાવ્યો છે. બાળકો મેં તમને લખ્યું છે, કારણ કે તમે પિતાને ઓળખો છે. 14પિતાઓ, મેં તમને લખ્યું છે કારણ કે જે આરંભથી હતા તેમને તમે ઓળખો છો. જુવાનો, મેં તમને લખ્યું છે કારણ કે તમે બળવાન છો અને ઈશ્વરનું વચન તમારામાં રહે છે, અને તમે દુષ્ટને હરાવ્યો છે. 15જગત પર અથવા જગતમાંની વસ્તુઓ પર પ્રેમ રાખો નહિ; જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતાનો પ્રેમ નથી. 16કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસનાઓ, આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે. 17જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે. 18બાળકો, આ છેલ્લો સમય છે, જેમ તમે સાંભળ્યું કે, ખ્રિસ્ત-વિરોધી આવે છે, તેમ હમણાં પણ ઘણાં ખ્રિસ્ત-વિરોધીઓ થયા છે, એથી આપણે જાણીએ છીએ કે આ અંતિમ સમય છે. 19તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો આપણી સાથે રહેત પણ તેઓમાંનો કોઈ આપણામાંનો નથી એમ પ્રગટ થાય માટે તેઓ નીકળી ગયા. 20જે પવિત્ર છે તેનાથી તમે અભિષિક્ત થયા છો, સઘળું તમે જાણો છો, 21તમે સત્યને જાણતા નથી, એ કારણથી નહિ, પણ તમે તેને જાણો છો અને સત્યમાંથી કંઈ જૂઠું આવતું નથી, એ કારણથી મેં તમને લખ્યું છે. 22જે ઈસુનો નકાર કરીને કહે છે કે તે ખ્રિસ્ત નથી, તેના કરતા જૂઠો બીજો કોણ છે? જે પિતા તથા પુત્રનો નકાર કરે છે તે જ ખ્રિસ્ત-વિરોધી છે. 23દરેક જે પુત્રનો નકાર કરે છે, તેમની પાસે પિતા પણ નથી. પુત્રને જે કબૂલ કરે છે તેને પિતા પણ છે. 24જે તમે આરંભથી સાંભળ્યું છે, તે તમારામાં રહે. પહેલાંથી જે તમે સાંભળ્યું, તે જો તમારામાં રહે તો તમે પણ પુત્ર તથા પિતામાં રહેશો. 25જે આશાવચન તેમણે આપણને આપ્યું તે એ જ, એટલે અનંતજીવન છે. 26જેઓ તમને ભમાવે છે તેઓ સંબંધી મેં તમને આ લખ્યું છે. 27જે અભિષેક તમે તેમનાંથી પામ્યા તે તમારામાં રહે છે અને કોઈ તમને શીખવે એવી કંઈ જરૂર નથી. પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ સંબંધી શીખવે છે અને તે સત્ય છે, જૂઠા નથી અને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનાંમાં રહો. 28હવે, બાળકો તેમનાંમાં રહો, એ માટે કે જયારે તેઓ પ્રગટ થાય ત્યારે આપણામાં હિંમત આવે, તેમના આવવાને સમયે તેમની સમક્ષ આપણે શરમાઈએ નહિ. 29જો તમે જાણો છો કે તેઓ ન્યાયી છે, તો એ પણ જાણજો કે જે કોઈ ન્યાયીપણું કરે છે, તે તેમનાંથી જન્મ્યો છે.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.