સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

માથ્થી 5

આ અધ્યાય આમાં આવે છે: Toespraak 1: de Bergrede

Toespraak 1: de Bergrede

1ત્યારે ઘણાં લોકને જોઈને ઈસુ પહાડ પર ચઢ્યાં; ત્યાં તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા. 2તેમણે પોતાનું મુખ ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું કે. 3“આત્મામાં જેઓ નિર્ધન છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે. 4જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દિલાસો પામશે. 5જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. 6જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ તૃપ્ત થશે. 7દયાળુઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દયા પામશે. 8મનમાં જેઓ શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરને જોશે. 9સુલેહ કરાવનારાંઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે. 10ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે. 11જયારે લોકો તમારી નિંદા કરશે અને તમને સતાવશે તથા મારે લીધે તમારી વિરુદ્ધ જાત જાતની ખોટી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમે આશીર્વાદિત છો. 12તમે આનંદ કરો તથા ખૂબ હરખાઓ, કેમ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે. તમારી અગાઉનાં પ્રબોધકોની સાથે લોકોએ આ રીતે જુલમ કર્યા હતા. 13તમે માનવજગતનું મીઠું છો; પણ જો મીઠું બેસ્વાદ થયું તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે કશા કામનું નથી. 14તમે માનવજગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી. 15દીવો કરીને તેને વાસણ નીચે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે. 16તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારાં સદકૃત્યો જોઈને સ્વર્ગમાંનાં તમારા પિતાનો મહિમા કરે. 17એમ ન ધારો કે હું નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને આવ્યો છું; હું નાશ કરવા નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું. 18કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા માત્રા જતી રહેશે નહિ. 19એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એકને જો કોઈ તોડશે અથવા માણસોને એવું કરવાનું શીખવશે, તો તે સ્વર્ગના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જો કોઈ તે પાળશે અને શીખવશે તે સ્વર્ગના રાજ્યમાં મોટો કહેવાશે. 20કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ કરશો. 21‘હત્યા ન કર’, અને ‘જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે,’ એમ પહેલાંના સમયનાં લોકોએ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે. 22પણ હવે હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને ‘બેવકૂફ’ કહેશે, તે ન્યાયસભામાં અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે ‘તું મૂર્ખ છે’, તે નરકાગ્નિના જોખમમાં આવશે. 23એ માટે જો તું તારું અર્પણ યજ્ઞવેદી પાસે લાવે અને જો ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈક છે, 24તો ત્યાં યજ્ઞવેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પ્રથમ તારા ભાઈની સાથે સુલેહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ. 25જ્યાં સુધી તું તારા દુશ્મનની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે ત્વરિત સમાધાન કર; રખેને તારો દુશ્મન તને ન્યાયાધીશને સોંપે, ન્યાયાધીશ તને સિપાઈને સોંપે અને તને જેલમાં પૂરવામાં આવે. 26ખરેખર હું તમને કહું છું કે, તમે પૂરેપૂરો દંડ ચૂકવશો નહિ, ત્યાં સુધી તમે ત્યાંથી નીકળશો નહિ. 27‘વ્યભિચાર ન કરો’, એમ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે. 28પણ હું તમને કહું છું કે, સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે. 29જો તારી જમણી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે. 30જો તારો જમણો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે. 31‘જે કોઈ પોતાની પત્નીને છોડી દે તે તેને છૂટાછેડા લખી આપે’, એમ પણ કહેલું હતું. 32પણ હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને છોડી દે, તે તેની પાસે વ્યભિચાર કરાવે છે; અને જે કોઈ તે ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે. 33વળી, ‘તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર’, એમ પહેલાના સમયમાં લોકોને કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. 34પણ હું તમને કહું છું કે, કોઈ પણ પ્રકારના સમ ન ખાઓ; સ્વર્ગના નહિ, કેમ કે તે ઈશ્વરનું રાજ્યાસન છે; 35પૃથ્વીના નહિ, કેમ કે તે તેમનું પાયાસન છે; અને યરુશાલેમના નહિ, કેમ કે તે મોટા રાજાનું નગર છે. 36તમે તમારા માથાના પણ સમ ન ખાઓ, કેમ કે તમે એક વાળને પણ સફેદ અથવા કાળો કરી શકતા નથી. 37પણ તમારું બોલવું તે ‘હા’ તે ‘હા’ અને ‘ના’ તે ‘ના’ હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે દુષ્ટ તરફથી છે. 38‘આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. 39પણ હું તમને કહું છું કે જે દુર્જન હોય તેમની સામા ન થાઓ; પણ જે કોઈ તારા જમણાં ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ. 40જે તારો કોટ લેવા માટેનો દાવો કરીને તને ન્યાયસભામાં લઈ જવા ઇચ્છે, તેને તારું પહેરણ પણ લેવા દે. 41જે કોઈ તને બળજબરીથી એક માઇલ લઈ જાય, તો તેની સાથે બે માઇલ જા. 42જે કોઈ તારી પાસે માગે તેને તું આપ અને તારી પાસે જે ઉછીનું લેવા ચાહે, તેનાથી મોં ન ફેરવ. 43‘તું તારા પડોશી પર પ્રેમ કર અને તારા દુશ્મન પર દ્વેષ કર’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. 44પણ હું તમને કહું છું કે તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમને સતાવે છે તેઓને માટે પ્રાર્થના કરો, 45એ માટે કે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરા થાઓ. કેમ કે તે સૂર્યને દુષ્ટ તથા ભલા પર ઉગાવે છે અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ મોકલે છે. 46કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શો બદલો મળે? દાણીઓ પણ શું એમ નથી કરતા? 47જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો, તો તમે વિશેષ શું કરો છો? દેવ વગરના લોકો પણ શું એમ નથી કરતાં? 48એ માટે જેવા તમારા સ્વર્ગમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે પણ સંપૂર્ણ થાઓ.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

Statenvertaling (1637) · World English Bible (2000) · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન (2019): © 2019 Bridge Connectivity Solutions, bridgeconn.com, via eBible.org. CC BY-SA 4.0; notes and headings omitted. · સ્રોતો અને લાઇસન્સ

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.