સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

ફિલિપ્પીઓ 2

આ અધ્યાય આમાં આવે છે: Eensgezind, zoals Christus

1માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની અનુકંપા તથા કરુણા હોય, 2તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે, તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક હૃદયના થાઓ. 3પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કશું કરો નહિ, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. 4તમે દરેક માત્ર પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓનાં હિત પર પણ લક્ષ રાખો. 5ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો 6પોતે ઈશ્વરના રૂપમાં હોવા છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ, 7પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોની સમાનતામાં આવીને પોતાને ખાલી કર્યા; 8અને માણસના રૂપમાં પ્રગટ થઈને, વધસ્તંભ પરના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા. 9તેને કારણે ઈશ્વરે તેમને ઘણાં ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે, 10સ્વર્ગમાંના, પૃથ્વી પરનાં તથા પાતાળમાંનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે; 11અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. 12તેથી, મારા પ્રિય ભાઈઓ, તમે જેમ હંમેશા આધીન રહેતા હતા તેમ, કેવળ મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષે કરીને મારી ગેરહાજરીમાં પણ તમારો ઉદ્ધાર થાય માટે ભય તથા કંપારીસહિત પ્રયત્ન કરો. 13કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઇચ્છવાની તથા પ્રયત્ન કરવાની પ્રેરણા આપે છે, તે તો ઈશ્વર છે. 14બડબડાટ તથા તકરાર વગર બધું કરો 15કે, જેથી કુટિલ તથા આડી પ્રજા મધ્યે તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક સંતાન, જીવનનું વચન પ્રગટ કરીને દુનિયામાં જ્યોતિઓ તરીકે પ્રકાશો. 16જેથી ખ્રિસ્તનાં સમયમાં મને ગર્વ કરવાનું એવું કારણ મળે કે હું નિરર્થક દોડ્યો નથી અને મેં વ્યર્થ શ્રમ કર્યો નથી. 17પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર રેડાવું પડે તોપણ હું આનંદ કરીશ અને તમારી સર્વની સાથે આનંદ કરીશ. 18એમ જ તમે પણ મારી સાથે આનંદમાં સહભાગી બનો.

Timoteüs en Epafroditus

19પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે, હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને મને પણ આનંદ થાય. 20કેમ કે તમારી સંભાળ સારી રીતે રાખે તેવો તિમોથી જેવા સારા સ્વભાવવાળો બીજો કોઈ માણસ મારી પાસે નથી. 21કેમ કે સર્વ માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહિ, પણ પોતાની જ વાત શોધે છે. 22પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે કામ કરે, તેમ તેણે સુવાર્તા ના પ્રસાર ને માટે મારી સાથે સેવા કરી. 23એ માટે હું આશા રાખું છું કે, જયારે મારા વિષે શું થવાનું છે તે હું જાણીશ કે તરત હું તેને મોકલી દઈશ; 24વળી હું પ્રભુમાં ભરોસો રાખું છું કે, હું પોતે પણ વહેલો આવીશ. 25તોપણ મારો ભાઈ એપાફ્રોદિતસ, મારી સાથે કામ કરનાર તથા સહયોદ્ધો, તેમ જ તમારો સંદેશવાહક તથા મારી જરૂરિયાત પૂરી પાડનાર છે’ તેને તમારી પાસે મોકલવાની અગત્ય મને જણાઈ; 26કારણ કે તે તમો સર્વ પર બહુ પ્રેમ રાખતો હતો અને તે ઘણો ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે બીમાર છે; 27તે મરણતોલ બીમાર હતો ખરો; પણ ઈશ્વરે તેના પર દયા કરી, કેવળ તેના પર જ નહિ, પણ મારા પર પણ કે, મને શોક ન થાય અને આઘાત ન લાગે. 28તમે તેને જોઈને ફરીથી ખુશ થાઓ અને મારું દુઃખ પણ ઓછું થાય, માટે મેં ખૂબ ઉતાવળે તેને મોકલ્યો. 29માટે તમે પૂર્ણ આનંદથી પ્રભુને નામે તેનો આદરસત્કાર કરો; અને એવાઓને માનયોગ્ય ગણો; 30કેમ કે ખ્રિસ્તનાં કામને માટે તે મરણની નજીક આવી ગયો અને મારે અર્થે તમારી સેવામાં જે અધૂરું હતું તે સંપૂર્ણ કરવાને તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

Statenvertaling (1637) · World English Bible (2000) · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન (2019): © 2019 Bridge Connectivity Solutions, bridgeconn.com, via eBible.org. CC BY-SA 4.0; notes and headings omitted. · સ્રોતો અને લાઇસન્સ

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.