સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

પુનર્નિયમ 8

આ અધ્યાય આમાં આવે છે: De wet uitgelegd

1આજે હું તમને જે સર્વ આજ્ઞાઓ જણાવું છું તે તમે કાળજી રાખીને તેને પાળો, જેથી તમે જીવતા રહો અને તમે વૃદ્ધિ પામો. અને જે દેશ આપવાના યહોવાહે તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા તેનું વતન પ્રાપ્ત કરો. 2તમને નમ્ર બનાવવા અને તમે તેમની આજ્ઞાઓનું પાલન કરવા માગો છો કે કેમ, એ જાણવા માટે તથા પારખું કરવા યહોવાહ તમારા ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી જે રસ્તે તમને ચલાવ્યાં તે તમે યાદ રાખો. 3અને યહોવાહે તમને નમ્ર બનાવવા માટે તમને ભૂખ્યા રહેવા દીધા. અને તમે નહોતા જાણતા કે તમારા પિતૃઓ પણ નહોતા જાણતા એવા માન્નાથી તમને પોષ્યા; એ માટે કે યહોવાહ તમને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવિત રહેતો નથી, પણ યહોવાહના મુખમાંથી નીકળતા દરેક વચનોથી માણસ જીવે છે. 4આ ચાળીસ વર્ષ દરમ્યાન તમારા શરીર પરનાં વસ્રો ઘસાઈ ગયા નહિ અને તમારા પગ સૂજી ગયા નહિ. 5એટલે આ વાત તમે સમજો કે જે રીતે પિતા પોતાના પુત્રને શિક્ષા કરે છે તેમ યહોવાહ તમારા ઈશ્વર તમને શિક્ષા કરે છે. 6તેથી તમારે યહોવાહ તમારા ઈશ્વરના માર્ગોમાં ચાલવું, તેમનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી. 7કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમને એક સમૃદ્વ દેશમાં લઈ જાય છે એટલે પાણીનાં વહેણવાળા તથા ખીણોમાં અને ઉચ્ચપ્રદેશમાં ફૂટી નીકળતા ઝરણાં તથા જળનિધિઓવાળા દેશમાં; 8ઘઉં તથા જવ, દ્રાક્ષ, અંજીરીઓ તથા દાડમોનાં દેશમાં; જૈતૂન તેલ અને મધના દેશમાં. 9જયાં તું ધરાઈને અન્ન ખાશે અને તને ખાવાની કોઈ ખોટ પડશે નહિ એવા દેશમાં. વળી કોઈ વસ્તુની ખોટ નહિ પડે, તેમ જ જેના પથ્થર લોખંડના છે અને જેના ડુંગરોમાંથી તું પિત્તળ કાઢી શકે. એવા દેશમાં લઈ જાય છે. 10ત્યાં તમે ખાઈને તૃપ્ત થશો અને યહોવાહ તમારા ઈશ્વરે જે સમૃદ્વ દેશ તમને આપ્યો છે તે માટે તમે યહોવાહની સ્તુતિ કરશો. 11સાવધ રહેજો રખેને તેમની આજ્ઞાઓ, કાનૂનો અને નિયમો જે આજે હું તને ફરમાવું છું તે ન પાળતાં તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ. 12રખેને તમે ખાઈને તૃપ્ત થાઓ અને સારાં ઘરો બાંધીને તેમાં રહો. 13અને જ્યારે તમારાં ઢોરઢાંક અને ઘેટાંબકરાંની અને અન્ય જાનવરોની સંખ્યામાં વધારો થાય અને જ્યારે તમારું સોનુંચાંદી વધી જાય અને તમારી માલમિલકત વધી જાય, 14ત્યારે રખેને તમારું મન ગર્વિષ્ઠ થાય અને તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ કે જે તમને મિસરમાંથી એટલે ગુલામીના દેશમાંથી બહાર લાવ્યા છે. 15જેણે તમને આગિયા સાપ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ અને ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યાં. જેમણે તમારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેતું કર્યું અને જે 16યહોવાહે અરણ્યમાં તમને માન્ના કે જે તમારા પિતૃઓએ કદી નહોતું જોયું તેનાથી તમારું પોષણ કર્યું, એ માટે યહોવાહ તમને નમ્ર કરે અને આખરે તમારું સારું કરવા માટે તે તમારી કસોટી કરે. 17રખેને તમે તમારા મનમાં વિચારો કે “મારી પોતાની શક્તિથી અને મારા હાથનાં સામર્થ્યથી મેં આ સર્વ સંપત્તિ મેળવી છે.” 18પણ તમે હંમેશા યહોવાહ તમારા ઈશ્વરનું સ્મરણ કરો કેમ કે સંપત્તિ પ્રાપ્ત કરવા માટેની શક્તિ આપનાર તો તે એકલા જ છે; એ માટે કે તેનો કરાર અને તેમણે તમારા પિતૃઓની આગળ જે સમ ખાધા તે તેઓ પૂર્ણ કરે. 19અને એમ થશે કે જો તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જઈને અન્ય દેવદેવીઓની તરફ વળશો અને તેઓની સેવા કરશો તો હું આજે તમારી વિરુદ્ધ સાક્ષી આપું છું કે તમે નિશ્ચે નાશ પામશો. 20જે પ્રજાઓનો યહોવાહ તમારી આગળથી નાશ કરે છે તેઓની જેમ તમે નાશ પામશો. કેમ કે યહોવાહ તમારા ઈશ્વરની વાણી તમે સાંભળવાને ચાહ્યું નહિ.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

Statenvertaling (1637) · World English Bible (2000) · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન (2019): © 2019 Bridge Connectivity Solutions, bridgeconn.com, via eBible.org. CC BY-SA 4.0; notes and headings omitted. · સ્રોતો અને લાઇસન્સ

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.